
સુરત, 2 ઓગસ્ટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 4 ઓગષ્ટ-2022ના રોજ સવારે 9:30 કલાકે સુરતના પીપલોદ ખાતે ‘ઘર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજિત ‘તિરંગા પદયાત્રા’માં ઉપસ્થિત રહેશે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટરની ‘તિરંગા પદયાત્રા’માં મુખ્યમંત્રી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીગણ પણ જોડાશે. પદયાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃત્તિક ગ્રુપો દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને આવકારશે.મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ‘તિરંગા પદયાત્રા’ના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકાના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, આઝાદીના અમૃત્ત મહોત્સવ નિમિત્તે ‘ઘર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સુરત શહેર-જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ અને વેપારી સંસ્થાનો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ સ્થળે રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક લહેરાવવામાં આવશે. જે અન્વયે મુખ્યમંત્રી સુરત ખાતે આયોજિત ‘તિરંગા પદયાત્રા’માં જોડાઈને સુરતવાસીઓને પ્રોત્સાહિત કરશે.આ પદયાત્રામાં સુરત ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, પર્ફોર્મિંગ આર્ટ્સ સંસ્થાઓ, ડાયમંડ અને ટેક્ષટાઈલ એસો., ફોસ્ટા, ક્રેડાઈ, NCC, NSS, નહેરૂ યુવા કેન્દ્ર વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાશે. અન્ય રાજ્યોના સંગઠનો, ખાસ કરીને ઓડિયા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના નાગરિકો તેમજ તેમના સાંસ્કૃતિક ગૃપો તેમની સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો રજૂ કરી મુખ્યમંત્રી અને પદયાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત કરશે. મહાનુભાવો, પદાધિકારી-અધિકારીઓ વિવિધ વિતરણ બુથો પરથી ડિજિટલ પેમેન્ટ કરી તિરંગો ખરીદશે. તિરંગા યાત્રામાં જોડાનાર નાગરિકોને પોતાનો રાષ્ટ્ર ધ્વજ ખરીદી લેવા તેમજ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા જિલ્લા તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

તિરંગા પદયાત્રામાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ મંત્રી દર્શના જરદોશ, નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, સાંસદ-ધારાસભ્યશ્રીઓ, અને પદાધિકારીઓ અને હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકો પણ જોડાશે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, મનપાના શાસક પક્ષના નેતાશ્રી અમિતસિંગ રાજપૂત, ડે.કમિશનર એન.વી.ઉપાધ્યાય, સિટી પ્રાંત અધિકારી જી.વી.મિયાણી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત