
સુરત, 2 ઓગસ્ટ : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ દિવસ નિમિતે સુરત જિલ્લામાં વિવિધ સ્થળો પર ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઇની અધ્યક્ષતામાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યો તથા સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિકરીઓને પ્રોત્સાહન પુરૂં પાડી સ્માર્ટ ગર્લ બનાવવા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઘોડદોડ રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલા અને બાળ અધિકારી, પ્રોગામ ઓફિસર(ICDC), નગર પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે 324 માતાઓને વ્હાલી દીકરી યોજનાનાં મંજુરી હુકમપત્ર વિતરણ કરાયા હતા. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, મહિલા કલ્યાણ અધિકારી તથા આરોગ્ય વિભાગ બારડોલીના સહયોગથી ઉમરાખ PHC, બારડોલી ખાતે રેલી યોજાઈ હતી. જેમાં મહિલાઓ તથા કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ નવજાત બાળકીઓને વધામણાં કીટ આપી જન્મોત્સવની ઉજવણી તેમજ વ્હાલી દિકરી યોજનાના ફોર્મ વિતરણ કરાયા હતા. ઉપરાંત, ભટાર ખાતે ઉમરા 181 મહિલા હેલ્પલાઇન દ્વારા દીકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિકરીઓ માટેની વિવિધ યોજનાઓ વિશે સમજ આપવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત