સુરત : ઘાનામાં મોડર્ન પાવરલૂમ સેકટર ડેવલપ કરાવવા ટેકનીકલ સહયોગ આપવા ચેમ્બરે તૈયારી બતાવી

સ્થાનિક
Spread the love

સુરત, 2 ઓગસ્ટ : ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓએ ગતરોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. જેમાં ડો. ટોમી બસીંગના, વુની અમિન બુગ્રી, સુશ્રી લીન્ડા આશા અને કોમલકુમાર શાહનો સમાવેશ થાય છે. ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓએ ચેમ્બરના ઓફિસ બેરર્સ સાથે બેઠક કરી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ગૃપ ચેરમેન બિજલ જરીવાલા તથા અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેને આવકારી જણાવ્યું હતું કે, સુરત દેશનું સૌથી મોટું પાવરલૂમ અને એમએમએફ મેન્યુફેકચરીંગ હબ છે. ઘાનામાં ટેકસટાઇલ ક્ષેત્રે અત્યારે હેન્ડલૂમ પર જ કાપડ બને છે. આથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ ક્ષેત્રે નોર્ધન ઘાનાના વિવિધ ગામોમાં મોડર્ન પાવરલૂમ સેકટર ડેવલપ કરાવવા હેતુ ટેકનોલોજીકલ મદદ પૂરી પાડી શકે છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા ઉદ્યોગ – ધંધાઓ વિશે પણ ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓને વિસ્તૃત માહિતી આપી હતી.
ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ ડો. ટોમી બસીંગનાએ જણાવ્યું હતું કે નોર્ધન ઘાનામાં હેલ્થ, એગ્રીકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ, ટ્રાન્સપોર્ટ, ટુરીઝમ, પ્રોપર્ટી ડેવલપમેન્ટ, કલીનિકલ લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, ફાર્માસ્યુટિકલ સર્વિસિસ, એગ્રો પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી, વોટર સપ્લાય, ઇલેકટ્રોનિક ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ, ઇ–વ્હીકલ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીના સ્પેરપાર્ટ્સ મેન્યુફેકચરીંગ ક્ષેત્રે રોકાણ માટે ઘણી તકો છે. સોયાબીનની ખેતી તથા કોટન ફાર્મિંગ મોટા પ્રમાણમાં થાય છે અને શાકભાજીની પણ વિપુલ પ્રમાણમાં ત્યાંથી નિકાસ થાય છે. તેમણે ઘાનામાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા હેતુ પણ સુરતના ઉદ્યોગકારોને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરતથી યાર્ન તથા ફેબ્રિકસ ઘાના ઇમ્પોર્ટ કરી ગારમેન્ટ બનાવીને ત્યાંના નજીકના દેશોમાં નિકાસ કરી શકાય છે. ચેમ્બર દ્વારા કરવામાં આવેલા સૂચનો અંગે ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓ તરફથી સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *