
સુરત : સમગ્ર વિશ્વના ખેલપ્રેમીઓની હાલ નજર કોમનવેલ્થ ગેમ્સ પર છે.ત્યારે આ વખતે ભારતના ખેલાડીઓ વિવિધ રમતોમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. સોમવારનો દિવસ ભારત માટે ખુબ સારો રહ્યો છે તેવા સમયે ગુજરાતની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરના યશસ્વી ખેલાડી હરમિત દેસાઈ દ્વારા ટેબલ ટેનિસમાં ફરીથી ગોલ્ડ મેડલ જીતતાં સમગ્ર શહેરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સોમવારે સાંજે હરમિતને મળેલી આ ભવ્ય જીતને તેના માતા અર્ચના દેસાઈ અને પિતા રાજુલ દેસાઇએ હર્ષના આંસુ સાથે વધાવી હતી.
આ ભવ્ય જીતને વધાવતા હરમિતના માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સ્પર્ધા ખૂબ ટફ રહી હતી. સામેની ટીમ ખૂબ મજબૂત હતી.આથી, આજની મહત્વપૂર્ણ મેચ હોવા છતાં ટેંશનના કારણે હું આ મેચ પુરેપુરી જોઈ શકી ન હતી.પરંતુ, હવે જયારે હરમિતએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે મારી ખુશીનો કોઈ પાર નથી.

હરમિતના પિતા રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સફળતાથી અમે ખૂબ ખુશ છીએ. હરમિતની સખ્ત મહેનતનું આ પરિણામ મળ્યું છે.વિશ્વના ટોપ સિડેડ ખેલાડીને હરાવીને આ જીત મેળવી છે ત્યારે ખુશી વર્ણવી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સ જીતવા હરમીતએ જર્મનીના કોચ પાસે ટ્રેનિંગ લીધી હતી.મહેનત કરવાની સાથે-સાથે તેણે ઘણા સમયથી સુગર સદંતર બંધ કરી દીધી હતી. આ અગાઉ પણ હરમિતને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે.ત્યારે,તેની આ જીતને કારણે ન ફક્ત સુરત શહેર પરંતુ, ગુજરાત અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે.તેની આ જીતને સુરતીઓએ વધાવી લીધી છે અને તેના પરિવારજનો, સ્નેહીઓમાં,ખેલપ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત