
સુરત, 5 ઓગસ્ટ : નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના અમલમાં મૂકી છે, જેના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડના ભટગામથી સુરત જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે દવા છંટકાવની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, બદલાતા સમય સાથે ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પણ જરૂરી બન્યો છે. કૃષિ વિમાન-કિસાનનું વિમાન એટલે ડ્રોન એવી ઓળખ આપીને ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. ઈફ્કો કંપનીએ ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ નેનો યુરિયા ખાતર પ્રવાહી સ્વરૂપે અદ્યતન નેનો ડ્રોન ટેક્નોલોજીની મદદથી ખેતરમાં દવા અને ખાતરનું છંટકાવ કરતું દેશનું પ્રથમ માનવરહિત ઉપકરણ વિકસાવ્યું છે, ત્યારે ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનનો ઉપયોગ કૃષિ ઉત્પાદકતા તેમજ કિસાનોની કાર્યક્ષમતા વધારવામાં આશીર્વાદરૂપ બની રહેશે.

રાજ્ય સરકારે કૃષિમાં નવીન ડ્રોન ટેક્નોલોજી અપનાવીને કૃષિ વિકાસના નવા યુગમાં પ્રવેશ કર્યો છે એવો મત વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું કે, નવીન ડ્રોન ટેકનોલોજીની મદદથી ગુજરાતના ખેડૂતો નેનો યુરિયાની 500 મિ.લી.ની બોટલથી એક એકર જમીનમાં નજીવા ખર્ચે અને ખૂબ ઓછા સમયમાં દવા છંટકાવ કરી શકશે. 5 એકર જમીનમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરતા ખેડૂતોનું કામ સરળ બનશે. સબસિડીનો 90 ટકા લાભ મળશે અને પાક પર વધતા રોગો અને જીવાતોને સરળતાથી રોકી શકાશે એમ જણાવી કૃષિમાં ડ્રોનના ઉપયોગથી ખેડૂતો સશક્ત બનશે અને તેમના સમય, ઉર્જા અને કૃષિખર્ચ પણ બચશે એમ ઉમેર્યું હતું.આઈ-ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો.

ભટગામના પ્રગતિશીલ ખેડૂત સતીષ પટેલે પ્રતિભાવ આપતા કહ્યું કે, હું ચોમાસું અને ઉનાળાની સિઝનમાં દર વર્ષે 50થી 60 એકરમાં ડાંગરની ખેતી કરૂ છું. ડ્રોનની નવી યોજના હેઠળ 15 એકરમાં નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરીને સમય અને પૈસાની બચત તો થશે જ સાથોસાથ આર્થિક ખર્ચ પણ ખૂબ નીચે આવશે. કારણ કે દવા-ખાતરના છંટકાવ માટે મજૂરોની તંગીનો સૌથી મોટો પડકાર રહે છે. જેનું આ ડ્રોન ટેક્નોલોજીએ નિરાકરણ કર્યું છે.

આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામકવિસ્તરણ કે.એસ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, નાયબ ખેતી નિયામક (તાલીમ) આત્મા સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી. ગામીત, મામલતદાર લક્ષ્મણ ચૌધરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જશુ ગામીત સહિત મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેતરના પાકમાં નવી ટેકનોલોજી અને ડ્રોન યંત્ર વડે દવા છંટકાવ કરવાની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે, આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચ બચશે અને કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળશે.આ યોજના હેઠળ ખેડૂતને એક એકર માં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500/- સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. 2500/-ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકારે બજેટમાં રૂ. 35 કરોડની જોગવાઇ કરી છે.

દેશના ખેડૂતોને યુરિયા ખાતરની એક થેલી રૂ.268/-માં આપવા માટે કેન્દ્ર સરકાર રૂ. 3700/- ની સબસિડી આપે છે. જેની સામે ઈફ્કો દ્વારા સંશોધિત નેનો યુરિયાની 500 મી.લિ. ની બોટલ રૂ.240/- માં મળે છે. જેથી સરકારને સબસિડીની બચત થાય છે. વિદેશમાં જતું હુડિયામણ બચી જાય છે અને ખેડૂતોને પણ ફાયદો થાય છે. નેનો યુરિયાના ખેતરોમાં ઉપયોગ માટે ભારતમાં 6 સિઝન અને 94 પાકો પર 11 હજાર જેટલા પરીક્ષણો પછી સરકારે માન્યતા આપી છે. નેનો યુરિયાનું સંશોધન વિશ્વભરમાં સૌ પ્રથમ ઈફકોએ કર્યું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત