ડિસેમ્બર સુધીમાં ખેતીના વીજ કનેક્શનો આપવાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશેઃ કૃષિમંત્રી મુકેશ પટેલ

સ્થાનિક
Spread the love

સુરત, 5 ઓગસ્ટ : કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નો અને એકશન પ્લાનના આયોજન અંગેની બેઠક કામરેજના રામકબીર શૈક્ષણિક સંકુલના દલપતરામ હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વીજળી જીવન જરૂરિયાત માટેનું અવિભાજ્ય અંગ બની ચુકી છે. લોકોને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વીજક્ષેત્રમાં છેલ્લા 20 વર્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકોની જીવનશૈલીમાં આવેલા પરિવર્તન અને ઔદ્યોગિક વિકાસના પરિણામે વીજળીની માંગમાં પણ સતત વધારો થયો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના 18 હજાર ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના થકી 24 કલાક વીજળી આપવાનુ ઉમદા કાર્ય કર્યું હતું. ગુજરાતમાં 77 હજાર કિમીનું જેટકોનું નેટવર્ક પથરાયેલું છે, જે 2047માં 1.50 લાખ કિ.મી. સુધી વિસ્તરશે. તાજેતરમાં નવસારી, વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે પણ વીજ કંપનીના કર્મચારીઓએ લોકોને ત્વરિત વીજળી મળી રહે તે માટે છાતી સમા પાણીમાં પણ કાર્ય કર્યું હતું. તોકતે વાવાઝોડામાં વીજળીના જે કાર્ય માટે 10 થી 12 મહિનાનો સમય લાગે તે કાર્ય સૌ સાથે મળીને માત્ર 2 થી 3 મહિનામાં પૂર્ણ કર્યું. આવનારા દિવસોમાં વીજળીની તમામ કેબલ લાઈનોને અંન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે.

વધુમાં મંત્રી એ જણાવ્યું કે, આપણા ખેતરોમાં આવેલી લાઈટ અન્ય ખેડૂતોના ખેતરમાંથી વીજપોલ મારફતે આવતી હોય છે. જેથી દરેક ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનો નાંખવાના કાર્યમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ લોકોના વીજળી અંગેના પ્રશ્નો રૂબરૂ સાંભળીને સંબંધિત અધિકારીઓને નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. જેમાં સાયણ-પરીયામાં કેબલ નાંખવાનુ કાર્ય ટુંકમાં પૂર્ણ થશે. જ્યારે નવા સબ સ્ટેશનના નિર્માણ માટે ગૌચર જમીનને નિમ કરવાની કામગીરી ચાલી રહી છે.

DGVCLના મુખ્ય ઈજનેર એસ.આર.શાહે જણાવ્યું હતું કે, વીજમાંગને પહોંચી વળવા માટે 200 કે.વી.ની ક્ષમતાના 1200 જેટલા ટ્રાન્સફોર્મર મેળવવા માટે નવી એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો છે. ટુંક સમયમાં પ્રથમ તબક્કામાં ૨૦૦ જેટલા નવા ટ્રાન્સફોર્મરો મળી જશે, ત્યારબાદ તબક્કાવાર ટ્રાન્સફોર્મરો મળશે, જેથી જરૂરિયાત ધરાવતા વિસ્તારોની વિજળીની માંગ પૂર્ણ થશે. વીજમાંગને પહોચી વળવા માટે સુરત આસપાસના વિસ્તારોમાં 26 જેટલા નવા સબ સ્ટેશનો ઉભા કરવાનું કાર્ય પ્રગતિમાં છે. વેલંજામાં પણ 220 કે.વી.નું સબ સ્ટેશન મંજૂર થઈ ચૂક્યું છે, જેથી સ્થાનિક વિસ્તારને પૂરતા પ્રમાણમાં વીજળી મળશે. કઠોર-કિમ સબ-ડિવિઝનમાં કર્મચારીઓની જગ્યાઓ ભરાઈ ચૂકી હોવાની વિગતો તેમણે આપી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, નવા વીજ કનેક્શનો મેળવવા માટે નાગરિકો સંબંધિત ઓફિસે ન આવતા ઓનલાઇન અરજી કરી કનેક્શન મેળવી શકે છે. જેથી અરજી કયા સ્ટેજ પર છે તેની વિગતો મેળવી શકાય છે. વીજ કનેકશનો મેળવતી વખતે કન્સલટન્ટના નંબરના સ્થાને અરજદાર પોતાનો નંબર આપે તે જરૂરી છે. જેથી દરેક વિગતો એસ.એમ.એસ.થી મળી રહેશે. આગામી તા1લી એપ્રિલથી 40થી વધુ કર્મચારીઓની ટીમ બનાવીને ગામદીઠ મેન્ટેનન્સની કામગીરીનો શુંભારભ કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, DGVCL ના અધિક્ષક ઈજનેર એ.જી.પટેલ, આઈ.ટી.ના ઈજનેર રીટા પરેરા, જેટકોના મુખ્ય ઈજનેર પી.પી. મુન્શી તેમજ DGVCLના ઈજનેરો, અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *