સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સ્થાનિક
Spread the love

સુરત, 5 ઓગસ્ટ : શહેરના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત કરાયેલા ઉત્રાણ ગામ ખાતેના ઉત્રાણ પોલીસ સ્ટેશનનું કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉત્રાણ પોલીસ સ્ટેશનથી મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારના 3.50 લાખથી વધુ લોકોને ફાયદો થશે. સુરત પોલીસની કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરત એ દેશના યુવાનો સહિત લાખો લોકોને રોજગારી પૂરી પાડતું સૌના સપનાનું શહેર બની રહ્યું છે. શહેરીજનોને ઝડપથી ન્યાય મળે અને હસતા મુખે પોલીસ યોગ્ય અને સમાધાનકારી જવાબ મળે એ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. જેનું પ્રતીતિ આ પોલીસ સ્ટેશનમાં આમ નાગરિકોને થશે.

ગૃહરાજ્ય મંત્રીએ યુવા પેઢીને ગેરમાર્ગે દોરતા પાડોશી દેશોના ડ્રગ્સના નેટવર્ક તોડવા ખૂબ સાહસની જરૂર હોવાનું જણાવતા ઉમેર્યું કે, ગુજરાત પોલીસના ઝાંબાજ જવાનોના ઓપરેશનથી દેશના જુદા જુદા રાજ્યોમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચનાર માફિયાઓની સાંકળ તોડી પાડી છે. પોલીસની વૃત્તિ સામાન્ય જનતાને હેરાન કરવાની ક્યારેય નથી હોતી. પોલીસને અભિનંદન ન આપી શકીએ તેમાં કોઈ સમસ્યા ન હોઈ શકે, પરંતુ પોલીસનું મોરલ તોડીને રાજકીય વિષય બનાવવો તે નિંદનીય છે એમ જણાવી તેમણે ટેક્નોલોજીના માધ્યમથી પોલીસ વિભાગના નવી પહેલ સમાન ઈ-એફઆઈઆર ના ફાયદાઓની વિગતો આપી હતી.

કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં ૧૦ હજારથી વધુ આવાસો હોવાથી છે. વસ્તીનું પ્રમાણ વધુ હોવાથી અમરોલી પોલીસ સ્ટેશન પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારીનું ભારણ વધુ હતું. જેને ધ્યાને લઈ ઉત્રાણ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાત જણાતા તાત્કાલિક ધોરણે ઉત્રાણ પોલીસ સ્ટેશનને નાગરિકોની સુખાકારી માટે અર્પણ કર્યું છે.

શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, પોલીસ સ્ટેશન પ્રત્યે લોકોમાં અણગમાની છાપ જોવા મળતી હોય છે. પોલીસકર્મીઓ પ્રત્યેની માન્યતાને બદલવા માટે સુરત પોલીસ દિવસ-રાત મહેનત કરી પ્રજાની પડખે ઊભી રહે છે. શહેરના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને આમ નાગરિકોનો કોઈ પ્રથમ મિત્ર હોય તો તે પોલીસ જ છે. સુરતની લગભગ 80 લાખ જેટલી વસ્તી થવા આવી છે. હાલ સુરતમાં કુલ 28 પોલીસ સ્ટેશન કાર્યરત છે, ઉપરાંત નવા પાંચ તેની સાથે અન્ય નવા ૫ પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આ પાંચ પૈકી પ્રથમ ઉત્રાણ પોલીસ સ્ટેશન ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *