2 કરોડના ખર્ચે નવનિર્મિત ભાઠાથી ભાટપોરને જોડતા રસ્તાનું લોકાર્પણ કરતાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી

સ્થાનિક
Spread the love

સુરત, 6 ઓગષ્ટ : માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ.૨ કરોડના ખર્ચે નવીનીકરણ (વાઈડનિંગ અને સ્ટ્રેન્થનિંગ) થયેલા ચોર્યાસી તાલુકાના ભાઠાથી ભાટપોરને જોડતા 2.5 કિ.મીટરના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીએ હજીરા, ઈચ્છાપોર તથા કૃભકો સર્કલ ખાતેના રસ્તાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કૃભકો સર્કલને નાનું કરી રસ્તો પહોળો કરવાનું સૂચન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજય સરકારના સતત પ્રયાસોથી આજે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુખ-સુવિધાઓ પહોંચી છે. ભવિષ્યમાં પણ હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ અને જમીન માર્ગ એમ ત્રણેય ક્ષેત્રને જોડતી તમામ પ્રકારની કનેક્ટિવિટી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર પુરતા પ્રયાસો સાથે કાર્ય કરી રહી છે. સુવિધાજનક વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવામાં પણ સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે હોવાનું તેમણે કહ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એક છેડેથી બીજા છેડે ટુંકા ગાળામાં પહોંચી શકાય એવી રોડ કનેક્ટિવિટી પૂરી પાડી સમય, ઇંધણ અને નાણાનો બચાવ એ સરકારનું લક્ષ્ય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા અનેક રસ્તાઓને તૈયાર કરી માસ ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવી રહ્યા છીએ. રાજયમાં રસ્તાઓના વિકાસથી પ્રવાસનક્ષેત્રને અઢળક ફાયદો થશે, જેના કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થશે. દેશના પ્રત્યેક નાગરિકને શિક્ષણ, આરોગ્ય, વેપાર તેમજ ઉદ્યોગને જોડતી માસ કનેક્ટિવિટી પ્રદાન કરી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરવાના સરકારના સંકલ્પને યથાર્થ કરવાની નેમ મંત્રીએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ઝંખના પટેલે કહ્યું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં મહત્તમ સ્થળોને જોડતા રસ્તાઓના નિર્માણ થવાથી વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવ્યું છે. ભાઠા-ભાટપોરના રસ્તાનું નવીનીકરણ થવાથી સ્થાનિક ગ્રામજનો, નોકરીયાતો, વિદ્યાર્થીઓને ફાયદો થશે. રસ્તાનું કામ પૂર્ણ થતા હવે ભાટપોર GIDCમાં કામ કરતા નોકરિયાત વર્ગ તથા ઓરો યુનિવર્સિટીમાં અભ્યાસ માટે અવર-જવર કરતાં વિદ્યાર્થીઓને સરળતા થશે.

આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ એચ.સી.મોદી, અધિક ઈજનેર એ.જી.વસાવા, પંચાયત વર્તુળના અધિક્ષક ઈજનેર જે.કે.પટેલ, કોર્પોરેટર નિલેશ પટેલ તથા ઉર્વશી પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *