સુરત : શહેરના અડાજણ સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે “સ્ક્રાફ્ટ” ફેર યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 8 ઓગષ્ટ : સંસ્કાર ભારતી વિદ્યાલયમાં આજરોજ સોમવારે બે દિવસીય વિજ્ઞાન અને આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેરનું પ્રારંભ થયો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ અને વિજ્ઞાનને લગતા નવા નવા પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શાળાના સાયન્સ ક્લબ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લબ ના વિદ્યાર્થીઓ દ્વારા આ સંપૂર્ણ ક્રાફ્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ ચાલનાર આ ક્રાફ્ટ ફેરમાં દરેક વિદ્યાર્થીઓ એ ઉમળકાભેર ભાગ લીધો હતો. સાયન્સ, આર્ટ, અને ક્રાફ્ટ આ ત્રણે શબ્દો ને ભેગા કરી એક નવો unique શબ્દ ” સ્ક્રાફ્ટ” દ્વારા આ ફેર ટાઈટલ આપવામાં આવ્યું હતું.

આ ” સ્ક્રાફ્ટ” ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત બૌદ્ધિક શક્તિ બહાર આવે તેવા ઉદેશ્ય સાથે આ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.સોમવારે વહેલી સવારથી જ આ ફેરમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ જોડાયા હતા.છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વિવિધ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, તેમના વાલીઓ અને શિક્ષકગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા.

સમગ્ર ફેરમાં પર્યાવરણ બચાવો , ટ્રાફિક જાગૃતિ, પવન શક્તિનું ઉર્જા શક્તિમાં રૂપાંતર તેમજ વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટને સુંદર રીતે ગોઠવવવાની સાથે ફેર જોવા આવેલા મુલાકાતીઓ સમક્ષ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનો દ્વારા તે પ્રોજેક્ટને લગતી માહિતી સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી.

મંગળવારે પણ ” સ્ક્રાફ્ટ” ફેર ચાલુ રહેવાનો છે ત્યારે સોમવારની સરખામણીમાં મંગળવારે વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી સંભાવનાઓ છે.એક તરફ સમગ્ર દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સંસ્કાર ભારતી વિદ્યાલયના સમગ્ર પરિસરમાં અને વિવિધ પ્રોજેક્ટમાં રાષ્ટ્રભક્તિના દર્શન થયા હતા.શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલું આ સુંદર આયોજન દેશની ભાવિ પેઢીના નિર્માણમાં મહામૂલું યોગદાન આપી રહ્યું છે તેમ કહીએ તો અતિશયોક્તિ ભરેલું નહીં કહેવાય.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *