રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓને ‘એ’ પ્લસ ગ્રેડ મળવા બદલ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન

પ્રાદેશિક
Spread the love

ગાંધીનગર, 8 ઓગષ્ટ : રાજ્યમાં પાવર સેક્ટર રિફોર્મ્સ અને ઊર્જા ક્ષેત્રના વધુ સુદ્રઢીકરણ દ્વારા ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થામાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું છે. ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા 10મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ‘એ’ પ્લસ રેટિંગ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગ્રેસરતા મેળવવા માટે ચારેય વીજ વિતરણ કંપનીઓના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા છે
ઊર્જા મંત્રી કનુ દેસાઇએ ગુજરાતની આ ગૌરવ સિદ્ધિની વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ઊર્જા ક્ષેત્રમાં જે સુધારાત્મક પગલાંઓ લીધા છે તેની ફળશ્રુતિએ રાજ્યની વીજ વિતરણ કંપનીઓને આ શ્રેષ્ઠતા પ્રાપ્ત થઇ છે .કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં સમગ્ર દેશની કુલ 71 વીજ કંપનીઓમાંથી ગુજરાતની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. DGVCL અને મધ્ય ગુજરાત વીજ કંપની લી. MGVCL ને પ્રથમ અને બીજો ક્રમ મળ્યો છે.એટલું જ નહિ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ UGVCL અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ PGVCL એ પણ ‘એ પ્લસ’ રેન્કીંગ મેળવ્યું છે તેમ મંત્રી કનુ દેસાઇએ ઉમેર્યુ હતું.આ રેટીંગમાં અત્યાર સુધી સમગ્ર દેશની માત્ર રાજ્ય હસ્‍તકની વીજ કંપનીઓનો જ સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાત રાજયની વીજ કંપનીઓએ ભવ્‍ય સફળતા પ્રાપ્‍ત કરીને “એ પ્‍લસ” રેટિંગ જાળવી રાખ્યો છે.

નવી દિલ્‍હી ખાતે તાજેતરમાં ઉર્જા ક્ષેત્રના રિવ્યુ, પ્‍લાનીંગ અને મોનિટરીંગ અંગે દરેક રાજયના ઊર્જા વિભાગના વડાઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમ્‍યાન ભારત સરકારના ઊર્જા અને ન્યુ એન્ડ રીન્યુઅબલ એનર્જી વિભાગના મંત્રી આર. કે. સિંહ એ 10મો એન્યુઅલ ઇન્‍ટીગ્રેટેડ રેટિંગ જાહેર કર્યો હતો. આ રેટિંગમાં ગુજરાત સરકાર હસ્તકની ચારેય વીજ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી., મધ્‍ય ગુજરાત વીજ કંપની લી., ઉત્તર ગુજરાત વીજ કંપની લી. અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ને “એ પ્‍લસ” રેન્‍ક પ્રાપ્‍ત થયો છે તેની ઊર્જા મંત્રીએ વિસ્તૃત વિગતો આપી હતી.
દેશભરની રાજય તેમજ ખાનગી હસ્તકની વીજ વિતરણ કંપનીઓના આ પ્રકારના મૂલ્‍યાંકનનો અહેવાલ કેન્‍દ્ર સરકારના ઊર્જા મંત્રાયલ દ્વારા પાવર ફાયનાન્‍સ કોર્પોરેશન (પીએફસી) તેમજ મિકેન્‍ઝી એન્‍ડ કંપનીના સહયોગમાં તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના મૂલ્‍યાંકનમાં જે પરિમાણોના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે તેમાં ફાયનાન્સીયલ સસ્‍ટેઇનેબિલીટી, ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન,પર્ફોમન્‍સ એકસેલન્‍સ જેમ કે, બીલીંગ એફિશીયન્‍સી, કલેકશન એફિશીયન્‍સી, ડીસ્‍ટ્રીબ્‍યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્‍સ, એકસ્ટર્નલ એન્‍વાયરમેન્‍ટ, લોસ ટેકઓવર બાય સ્‍ટેટ ગવર્નમેન્‍ટ, ગવર્નમેન્‍ટ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન, કોસ્‍ટ એફિશીયન્‍સી, રેગ્યુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે.
ગુજરાતની રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓએ ઊર્જા મંત્રી કનુ દેસાઇ અને રાજય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં સતત કાર્યનિષ્ઠા અને ફરજપરસ્તીથી આ બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ‘એ પ્લસ’ રેટિંગ મેળવવાની આગવી સિદ્ધિ જાળવી રાખી છે.
રાજ્ય સરકારની વીજ કંપનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ દર વર્ષે “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે તે માટે પણ તમામ વીજ કર્મીઓને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *