
સુરત, 9 ઓગષ્ટ : રાજયના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 9મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કુલ 26059 આદિજાતિ લાભાર્થીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વેલાવાળા શાકભાજી, ડેરી યોજના, માનવગરિમા યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ કુલ રૂ.9.26 કરોડની સાધન સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

રાજયનો આદિજાતિ સમાજ સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે રૂ.૮ હજાર કરોડની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 350 કરોડના ખર્ચે બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય ચાલી રહ્યું હોવાનું વસાવાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.

ધારાસભ્યએ સમગ્ર વિશ્વમાં પથરાયેલા અને જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસી સમાજ વિશે જણાવ્યું કે, 90 દેશોમાં 40 કરોડ જેટલો બહોળો આ સમાજ છે. ભારતમાં 11 કરોડ અને ગુજરાતમાં 90 લાખની વસ્તી ધરાવે છે. સમગ્ર વિશ્વને મર્યાદિત સાધનો વડે કેવી રીતે જીવન જીવી શકાય તે આ સમાજે શીખવ્યું છે.

આ પ્રસંગે સંગઠનના પ્રભારી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરતો સમાજ છે. બદલાયેલા સમય સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિનું જતન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આદિવાસી સમાજની ભવિષ્યની પેઢી શિક્ષણ અને સંસ્કારો સાથે વિશ્વમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના તેમણે પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.પ્રારંભે પ્રસંગે માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શારદા ચૌધરી, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સુમુલ ડેરીના ડિરેક્ટર રિતેશ વસાવા, અગ્રણી શ્યામસિંગ વસાવા, હર્ષદચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો, વનવિભાગ, આદિવાસી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ બાદ ધારાસભ્યની આગેવાની હેઠળ પરંપરાગત વાદ્ય, રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સાથે સેન્ટ ઝેવિયર્સ સ્કુલથી એસ. ટી. બસ સ્ટેશન સુધી વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસીબાંધવો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત