સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એકસપોર્ટ – ઇમ્પોર્ટ મેનેજમેન્ટ (સર્ટિફિકેટ તથા ડિપ્લોમા) કોર્ષ લોન્ચ કરાયો

સ્થાનિક
Spread the love

સુરત, 12 ઓગષ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અંતર્ગત એકસપોર્ટ – ઇમ્પોર્ટ મેનેજમેન્ટ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો ઉદ્ઘાટન સમારોહ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં જોઇન્ટ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ– સુરતના એડીશનલ ડીજીએફટી વીરેન્દ્ર સિંગ ઉપસ્થિત રહયા હતા. તેમણે ભારતની ટ્રેડ પોલિસી વિશે પ્રેઝન્ટેશન રજૂ કરી એકસપોર્ટ – ઇમ્પોર્ટ માટે થયેલા સરળીકરણ અને ઓનલાઇન પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

એડીશનલ ડીજીએફટી વીરેન્દ્ર સિંગે જણાવ્યું હતું કે, ભારત સરકારની નીતિ નિકાસલક્ષી રહી છે. સરકાર દ્વારા નિકાસ માટે જે લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા તે સમય કરતા વહેલા પૂર્ણ થવાના આરે છે. ભારતમાં ગુજરાત રાજ્ય હવે નિકાસના મામલે પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. સુરતમાંથી ખાસ કરીને ટેકસટાઇલ અને ડાયમંડ તથા અન્ય પ્રોડકટની વિશ્વમાં અમેરિકા સહિતના વિવિધ દેશોમાં ડિમાન્ડ વધી છે અને વિશ્વ હવે ભારતમાંથી પ્રોડકટ ખરીદવા માટે પ્રાથમિકતા દર્શાવી રહી છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા મહિના પહેલા જ અમેરિકામાં ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને કારણે પણ સુરતના ફેબ્રિકસની ડિમાન્ડ અમેરિકામાં વધી છે. આથી સુરતમાંથી નિકાસની ગતિ વધુ તેજ બની રહી છે. વધુમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શરૂ કરવામાં આવેલા એકસપોર્ટ – ઇમ્પોર્ટ મેનેજમેન્ટ કોર્સ વિષે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, આ કોર્ષને કારણે એકસપોર્ટ – ઇમ્પોર્ટ ક્ષેત્રે વધુ સારું કામ થશે. સાથે જ નવા ઉદ્યોગ સાહસિકો પણ આ ક્ષેત્રે તૈયાર થશે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે હમેશા ઉદ્યોગલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એકસપોર્ટ – ઇમ્પોર્ટ ક્ષેત્રે પણ વધુ સારું કામ થઇ શકે તે હેતુથી ચેમ્બર દ્વારા છ મહિનાનો સર્ટિફિકેટ કોર્ષ અને એક વર્ષનો ડિપ્લોમા કોર્ષ લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્ષને કારણે એકસપોર્ટ – ઇમ્પોર્ટ ક્ષેત્રે સ્કીલ્ડ નિર્યાતકારો અને આયાતકારો તૈયાર થશે તથા તેમના થકી દક્ષિણ ગુજરાતમાંથી નિકાસની ગતિ વધુ તેજ બનશે.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ તેમજ એકેડેમિક કોર્સિસના એડવાઇઝર આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, એમએસએમઇ મેન્યુફેકચરર્સ સીધું એકસપોર્ટ કરી શકે છે તેવી ભારત સરકારે નીતિઓ બનાવી છે. આથી હવે વિવિધ પ્રોડકટનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગકારો સીધું જ એકસપોર્ટ કરી શકશે. જેના પ્રયાસના ભાગરૂપે ચેમ્બર દ્વારા યુએસએ ખાતે ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના 95 ટકા એમએસએમઇ મેન્યુફેકચરર્સે ભાગ લીધો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના વિવિધ જિલ્લાઓમાંથી થતા એકસપોર્ટમાં સુરત જિલ્લો બીજા ક્રમાંકે આવ્યો છે. આથી નિકાસના ક્ષેત્રે ખૂબ જ મોટી તકો હોવાથી તેમણે વિદ્યાર્થીઓને એકસપોર્ટ–ઇમ્પોર્ટ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન અમરિષ ભટ્ટે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાંથી એકસપોર્ટ – ઇમ્પોર્ટ ક્ષેત્રે ઘણી મોટી સંભાવનાઓ છે. આથી ચેમ્બર દ્વારા આ દિશામાં આ કોર્ષ થકી મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા ટેકસટાઇલ અને મેનેજમેન્ટ સંબંધિત તથા અન્ય કોર્સિસ ચાલી રહયા છે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહ, ચેમ્બરના સભ્ય ભગીરથ કળથીયા તથા એકસપોર્ટ – ઇમ્પોર્ટ મેનેજમેન્ટ કોર્ષના ફેકલ્ટી પ્રોફેસર ડો. દર્શના શાહ અને સીમરનજીત સિંગ તથા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. અંતે ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *