ઓલપાડ તાલુકાના અણીતા ગામેથી 73મા સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા નાણા અને ઉર્જા મંત્રી દેસાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 12 ઓગષ્ટ : ધન્ય ધરા ગુજરાતને વૃક્ષોથી આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા 73મા સૂરત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો નાણા,ઉર્જા મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો.

અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રી કનુદેસાઈએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે વનોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. દર વર્ષે રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી કરોડો વૃક્ષોનું વાવેતર કરી રહી છે. વૃક્ષોનું અનેરૂ મહત્વ આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે. માનવના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. સમગ્ર રાજ્યમાં 33 જિલ્લા, 8 મહાનગર પાલિકાઓમાં વન મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વનોની પરંપરા શરૂ કરી હતી, જેની ફલશ્રુતિરૂપે આજે રાજયમાં 21 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જન્મ દિવસથી લઈ પુણ્યતિથિ નિમિત્તે સૌને પાંચ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.રાજ્યમાં કાર્બન ઉત્સર્જન વિના સોલાર, પવન ઊર્જાના માધ્યમથી સ્વચ્છ અને પ્રદૂષણમુકત ઉર્જા મેળવવામાં ગુજરાત સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું કે, વન મહોત્સવના માધ્યમથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી કરીએ. કોરોના કાળમાં ઓક્સિજનની સર્જાયેલી કટોકટીમાં વૃક્ષોની અગત્યતા લોકોને વધુ સમજાઈ હતી. એક વ્યક્તિ જીવનકાળ દરમ્યાન વૃક્ષો રોપી એક સામાજીક વન બનાવવા સૌને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, ધરતીને હરિયાળી બનાવવા માટે જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળમાંથી આ વર્ષે તાપી નદી કિનારે આવેલા 42 ગામોના કિનારાઓ પર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જે પૈકી 25,000 વૃક્ષોના વાવેતરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 75 અમૃત્ત સરોવરની સાથે 75 અમૃત્ત વનોમાં એક લાખ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું.

સુરતના સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક સચિન ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 73મા વન મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 62 નર્સરીઓમાં સાગ, લીમડા, નીલગીરી જેવા 34 લાખ વૃક્ષોના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું દરેક નર્સરીઓમાંથી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગૌચર જમીનો, રસ્તાઓની આજુબાજુ મળીને 470 હેકટરમાં 4.51લાખ રોપાઓનું વાવેતર પ્રગતિમાં હોવાની વિગતો તેમણે આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ સુરેન્દ્રનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત રાજ્યકક્ષાના વનમહોત્સવ કાર્યક્રમના જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું આ અવસરે મંત્રીના હસ્તે ‘વૃક્ષ રથ’નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે તાલુકામાં વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરશે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અમીત પટેલ,જિલ્લા કલેક્ટર આયુષ ઓક, ઓલપાડ પ્રાંત અધિકારી સી. કે. ઉધાડ, મામલતદાર એલ.આર.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એમ. બી. હાથીવાલા, વિધાદિપ સંસ્થાના ચેરમેન જેન્તીભાઈ, અગ્રણી જશુબેન, યોગેશભાઈ, વનરાજભાઈ, ઓલપાડ તાલુકાના આર. એફ. ઓ. મનિષા પરમાર, વન વિભાગના અધિકારીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *