
સુરત, 12 ઓગષ્ટ : ગુજરાતી સાહિત્યકાર, ‘કવિ વીર નર્મદ’ની આગામી તા.24મી ઓગષ્ટના રોજ 190મી જન્મ જયંતિ તથા કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલયના 32માં સ્થાપનાદિન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.24/08/2022થી તા. 28 /08/2022 દરમિયાન ચાર દિવસીય પુસ્તક પ્રદર્શન અને વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય ખાતે “વાંચો અને વંચાવો“ના ઉદ્દેશથી કવિ નર્મદની વિવિધ રચનાઓ તથા વિવિધ વિષયોને લગતા પુસ્તકોનું માહિતીસભર પ્રદર્શન યોજાશે.

પુસ્તકાલય ખાતે કવિ નર્મદની જીવન ઝરમર તેમજ તેમના દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રદાન કરાયેલા પુસ્તકો સહિત સામાન્ય જ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, લોકસાહિત્ય, વિજ્ઞાન, પ્રવાસ, જીવનચરિત્ર, ઈતિહાસ જેવા વિવિધ વિષયોને લગતા પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના પુસ્તક પ્રેમી દાતાઓ તરફથી ભેટમાં મળેલા પુસ્તકો વધુને વધુ વાચકો સુધી પહોંચે તેવા શુભાશયથી ‘વાંચો અને વંચાવો’ યોજના અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત