
સુરત,13 ઓગષ્ટ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી 13થી 15 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરતના અમરોલી વિસ્તારમાં કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળ જે.ઝેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. કોમર્સ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી કૅડેટસ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો પગપાળા ચાલીને યાત્રામાં સહભાગી થયા હતા.

આ યાત્રામાં મંત્રી મુકેશ પટેલે કોસાડ આવાસ ખાતેથી જાતે મોટરસાઈકલ ચલાવી હતી. તિરંગા યાત્રા દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા જોડાયા હતા. સૌએ તિરંગો લહેરાવી ઉપસ્થિત સૌનો જુસ્સો વધાર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન દેશભકિત ગીતો અને નારાઓ સાથે સૌએ પ્રગાઢ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જનજનમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે અર્થે વિવિધ સ્થળોએ તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. તિરંગા યાત્રામાં સ્વેચ્છાએ જોડાનાર રાષ્ટ્રપ્રેમી યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ અન્યો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન થકી દેશના તમામ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવના જાગૃત થઈ છે, જેને આપણે હૃદયમાં જાળવી રાખવાની અપીલ તેમણે કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત