
સુરત, 14 ઓગષ્ટ : ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી પોલીસ વિભાગના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ.550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણયથી પોલીસ વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજિત સમારોહમાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, પોલીસ પરિવારના લોકરક્ષકથી લઈ એ.એેસ.આઈ. સુધીના કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર વિચારણા કરવા માટે ગૃહ વિભાગ દ્વારા તા.28/10/2021ના રોજ વરિષ્ઠ અધિકારીઓની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતુ. કર્મચારીઓની વિવિધ રજૂઆતોનો આ સમિતિ દ્વારા તલસ્પર્શી અભ્યાસ કરીને સમિતિની ભલામણ સહિતનો આખરી અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીને તા.30/04/2022ના ના રોજ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈ મુખ્યમંત્રી, નાણામંત્રી, ગૃહરાજ્ય મંત્રી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને શ્રેણીબદ્ધ બેઠકો કરવામાં આવી હતી. અને પોલીસ કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓની ગ્રેડ પે સહિતના વિવિધ પ્રશ્નોની સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, ગહન ચર્ચા વિચારણાઓના અંતે પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારોની લાગણી અને માંગણીઓ પ્રત્યે અમારી સંવેદનશીલ સરકારે સંવેદના દાખવીને રાજ્યના લોકરક્ષક/એ.એસ. આઈ (ફિક્સ પગાર), પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, તથા એ.એસ.આઈ.ઓ માટે રૂ.550કરોડનું પેકેજ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય થકી રાજ્ય સરકાર દ્વારા પોલીસ પરિવારને રૂ.550 કરોડથી વધુ વાર્ષિક ચુકવણુ કરવામાં આવશે. રાજય સરકારના ઐતિહાસિક નિર્ણયથી આ પોલીસકર્મીઓને વાર્ષિક 64,000થી લઈને 96,000 સુધીનો પગાર વધારો મળશે.

આ પ્રસંગે મહિલા પોલીસકર્મીઓએ ગૃહરાજ્ય મંત્રીને રાખડીઓ બાંધી હતી. ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ બહેનો સહિત પોલીસકર્મીઓને મીઠાઈથી મોં મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે સુરત પોલીસ કમિશનરઅજય તોમરે સ્વાગત પ્રવચન કરીને ગૃહરાજ્ય મંત્રીને આવકાર્યા હતા. સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત