
સુરત, 14 ઓગષ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. 16ઓગષ્ટ, 2022ના રોજ સાંજે 6 કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના હરમીત રાજુલ દેસાઇ ચેમ્બર ઓફ કોમર્સના પેટ્રન સભ્ય છે. ભારતીય મેન્સ ટેબલ ટેનિસ ટીમે ફાઇનલમાં સિંગાપોરને 3-1થી હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. હરમીત દેસાઇએ મેળવેલી સિદ્ધી વિષે સુરત તેમજ ગુજરાત જ નહીં પણ આખો દેશ ગૌરવ લઇ રહયું છે. ખાસ કરીને હરમીત દેસાઇના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેની સાથે સમગ્ર સુરતમાં તેની ઉજવણી થઇ રહી છે. દેશ માટે ગોલ્ડ અપાવનાર હરમીત દેસાઇ માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ ગૌરવ અનુભવે છે અને તેમના સન્માન માટે ઉપરોકત કાર્યક્રમનું આયોજન કર્યું છે. હરમીત દેસાઇનું ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત ચેમ્બરની સાથે સંકળાયેલા વિવિધ ઔદ્યોગિક સંગઠનો દ્વારા પણ સન્માન કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત