રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવ સાથે વિકાસના વાવટા વધુ ઉન્નત બનાવવાના નિર્ધાર સાથે ‘ટીમ ગુજરાત’ કટિબદ્ધ : ભુપેન્દ્ર પટેલ

પ્રાદેશિક
Spread the love

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે 76માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ના આહવાનને પગલે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે તિરંગા ફરકાવીને આ 76મા સ્વતંત્રતા પર્વને આપણે એક નવી ચેતનાનું પર્વ બનાવ્યું છે. દેશની આઝાદીમાં બલિદાન આપનાર અનેક સપૂતોના ત્યાગ, તપસ્યા અને બલિદાનની પૃષ્ઠભૂમિ પર આજે આઝાદીની આ બુલંદ બૂનિયાદ આપણને મળી છે. વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રાને આઝાદીના અમૃત વર્ષે તેજ ગતિથી આગળ ધપાવી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નો ધ્યેય પાર પાડીએ તેઓ અપિલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવ સાથે વિકાસના વાવટા વધુ ઉન્નત બનાવવાના નિર્ધાર સાથે ‘ટીમ ગુજરાત’ કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીએ પાઠવેલ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે

 ગુજરાતના મારા વ્હાલા ભાઇઓ બહેનો, સ્વતંત્રતાના આ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
 આપણો દેશ સ્વતંત્રતાના ૭૫ વર્ષ, આઝાદી કા અમૃત મહોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણા અને માર્ગદર્શનમાં ઉજવી રહ્યો છે.
 આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા હર ઘર તિરંગાના આહવાનને પગલે આપણે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે તિરંગા ફરકાવીને આ ૭૬મા સ્વતંત્રતા પર્વને એક નવી ચેતનાનું પર્વ બનાવ્યું છે.
 આઝાદીના આ વટવૃક્ષના મૂળીયા અનેક વીરલાઓ, મા ભારતીના સપૂતોએ પોતાના રક્તથી સિંચ્યા છે.
 વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષમાં બ્રિટિશરોની લાઠી-ગોળી ખાઇને શહાદત વહોરીને અને ફાંસીના માંચડે ચડીને આ મહામૂલી આઝાદી અપાવી છે.
 વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર સિંહ રાણા, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ, એવા અનેક સપૂતોના ત્યાગ, તપસ્યા અને બલિદાનની પૃષ્ઠભૂમિ પર આજે આઝાદીની આ બુલંદ બૂનિયાદ આપણને મળી છે.
 આજે એ સૌ પૂણ્યાત્માઓ અને મા ભારતીના સપૂતોની આદર વંદના કરવાનો અવસર છે.
 કોઇ પણ દેશ કે રાષ્ટ્ર માટે પોતાની આઝાદીના 75વર્ષનો ઉત્સવ ખૂબ જ ગૌરવપૂર્ણ પ્રસંગ હોય તે સ્વાભાવિક છે.
 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના આ અમૃત મહોત્સવમાં 130 કરોડ ભારતવાસીઓને જોડીને રાષ્ટ્રભક્તિનો નવો માહૌલ ઊભો કર્યો છે.
 ગુજરાતનું તો સૌભાગ્ય છે કે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ આદરણીય વડાપ્રધાનએ દાંડીયાત્રાની સ્મૃતિમાં 12મી માર્ચ 2021ના સાબરમતી આશ્રમથી કરાવ્યો છે.
 આદરણીય વડાપ્રધાનએ આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા આપણને સૌને મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવાનો સંકલ્પ આપ્યો છે.
 આઝાદીનો અમૃત મહોત્સવ આપણને એ દિશામાં સતત આગળ ધપવાની પ્રેરણા આપતો રાષ્ટ્ર ઉત્સવ છે.
 ભાઇઓ બહેનો, આજે ભારત વિશ્વમાં એક સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. આવનારા દિવસો આપણા છે.
 આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જળ વ્યવસ્થાપન, ગ્રીન એનર્જી, ઉદ્યોગદરેક ક્ષેત્રે આત્મનિર્ભરતાના મંત્ર સાથે ભારતને વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવ્યું છે.
 આપણે સૌ ગુજરાતીઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રાને આઝાદીના અમૃત વર્ષે તેજ ગતિથી આગળ ધપાવી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નો ધ્યેય પાર પાડવાનો છે.
 સાથીઓ, આપ સૌ જનતા જનાર્દનના સક્રિય સહયોગ, આદરણીય વડાપ્રધાનશ્રીનું સતત માર્ગદર્શન અને રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવ સાથે હું અને મારી ટીમ, ગુજરાતના વિકાસ વાવટા વધુ ઉન્નત બનાવવાના નિર્ધાર સાથે પળ-પળ ક્ષણ-ક્ષણ રાજ્યની સેવામાં ખપાવી દેવાની મનસાથી કામ કરીએ છીએ.
 સમાજનો નાનામાં નાનો માનવી, ગરીબ, વંચિત, પીડિત, શોષિત, મહિલા, યુવા, ખેડૂત સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે વિકાસ એ જ માત્ર લક્ષ્યથી અમે દિનરાત સેવારત છીએ.
 મહિલા સશક્તિકરણ માટેની બજેટ જોગવાઇમાં 42 ટકાનો માતબર વધારો કર્યો છે.
 મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર માટે 850 કરોડ રૂપીયાની માતબર ફાળવણી કરી છે.
 રાજ્યની યુવા શક્તિને જ્ઞાન-કૌશલ્ય વર્ધનના અનેક અવસરો આપણે આપ્યા છે.
 આપણે યુવાનોના સ્ટાર્ટ અપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા એસ.એસ.આઇ.પી. ટુ પોઇન્ટ ઝિરો ઘડી છે.
 આપણે એ વાતનું ગૌરવ લઇ શકીએ કે, ગુજરાત છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપ રેંકીંગમાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
 યુવાનોને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.
 એટલું જ નહીં નવી સ્પોર્ટ્સ પોલિસી દ્વારા રાજ્યમાં ભવિષ્યની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનો માર્ગ મોકળો કર્યો છે.
 ગુજરાત 36મી નેશનલ ગેમ્સનું યજમાન બનવાનું છે અને રાજ્યના 6 શહેરોમાં આ રમતોત્સવ યોજવાના છીએ.
 આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર આપ્યો છે, તે સાકાર કરતાં રાજ્યના વનબંધુઓ આદિજાતિને પણ વિકાસની મુખ્ય ધારામાં આપણે લાવ્યા છીએ.
 આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટિવિટી વધારવા 500 ગામોને નેટવર્કથી જોડવા માટે 111 કરોડની જોગવાઇ કરી છે.
 એસ્ટોલ પ્રોજેક્ટ દ્વારા 200 માળની ઉંચાઇ સુધી પહાડી વિસ્તારમાં સાડા ચાર લાખ બાંધવોને અમે પાણી પહોંચાડ્યું છે.
 વન અધિકાર નિયમ અંતર્ગત વનબંધુઓને પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનના હકો સુપરત કર્યા છે.
 વિકાસની રાજનીતિનો જે માર્ગ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કંડાર્યો છે એ જ માર્ગે ચાલીને આપણે ગુજરાતનો વિકાસ આભને આંબે તેવો કરવો છે.
 આપણે ખુશનસીબ છીએ કે સતત બે દાયકાથી વિકાસની અવિરત ધારાનો લાભ આદરણીય વડાપ્રધાનના દૃષ્ટિવંત નેતૃત્વમાં મળતો રહ્યો છે.
 ખેતીની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે દેશ આઝાદ થયો ત્યારથી માંડીને 2002 સુધીના વર્ષો બીબાઢાળ ખેતપદ્ધતિમાં જ ગયા.
 આદરણીય નરેન્દ્રભાઇએ કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળાના જે અભિયાન ચલાવ્યા તેના અનેક લાભ ગુજરાતને મળ્યા છે.
 વીસ વર્ષમાં બાગાયતી પાકનું ઉત્પાદન 250.52લાખ, મેટ્રીક ટન થયું છે.
 હવે તો, સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવીને આપણા ધરતીપૂત્રો દાડમ, ખારેક અને કમલમ ફ્રુટ જેવા પાક પણ લેતા થયા છે.
 પ્રાકૃતિક ખેતી દ્વારા હવે રાજ્યના કિસાનોએ રસાયણમુકત ખેતીથી સમૃદ્ધ થવાનો માર્ગ લીધો છે.
 આજે બે દાયકામાં 69 હજાર કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી ખેતરે-ખેતરે નર્મદાના નીર પહોંચ્યા છે.
 છેલ્લા 20 વર્ષમાં દોઢ લાખથી વધુ ચેકડેમ બનાવીને જળ સિંચનનું ભગીરથ કાર્ય કર્યું છે.
 પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં 66 હજાર જેટલા જળ સંગ્રહના કામો પુરા થતા સાડાત્રણલાખ ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે.
 કચ્છની વર્ષો જુની માંગણી આપણે પુરી કરી છે અને હવે નર્માદાના પુરના વધારાના એક મિલયન એકર ફીટ પાણી ઉપલબ્ધ બનાવવાના છીએ.
 બે દાયકામાં આપણે 1 લાખ 20 હજાર કિમી લાંબી જળ વિતરણ પાઇપ લાઇનનું નેટવર્ક વિકસાવ્યું છે.
 પીવાના અને ખેતી માટે સિંચાઇના પાણીની અછતને ભૂતકાળ બનાવી સૌની યોજના અને સૂજલામ સૂફલામ યોજનાથી જળ સંકટ દુર કર્યું છે.
 વડાપ્રધાનએ આઝાદીના આ અમૃત વર્ષે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અહવાન કર્યું છે.
 ગુજરાતમાં આપણે 663 અમૃત સરોવર તો પૂર્ણ પણ કરી દીધા છે. અને આ સ્વાતંત્ર દિવસે દરેક જિલ્લામાં 20 અમૃત સરોવરના સ્થળે ધ્વજ વંદન પણ થવાનું છે.
 ઉર્જા ક્ષેત્રે પણ નરેન્દ્રભાઇના દિશા-દર્શનમાં આમૂલ પરિવર્તન આવ્યાં છે.
 જ્યોતિગ્રામ યોજનાથી ગામડાઓનો થ્રી ફેઝ 24 કલાક સતત-અવિરત વીજળી મળતી થઇ છે.
 વડાપ્રધાનશ્રીએ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે પણ ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો પાયો નાંખ્યો હતો.
 એના પગલે પાછલા બે દાયકામાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન 16,588 મેગાવોટ થયું છે.
 આદરણીય શ્રી નરેન્દ્રભાઇએ બનાસકાંઠાના ચારણકામાં દેશનો સૌથી પહેલો સોલર પાર્ક સ્થાપિત કર્યો હતો.
 તેમના જ દિશાનિર્દેશનમાં કચ્છમાં 30 હજાર મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો સોલાર એન્ડ વિન્ડ એનર્જી હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક આપણે સ્થાપી રહ્યા છીએ.
 ભાઇઓ બહેનો, ખેતી અને ઉર્જા જેવી પાયાની માળખાકીય સુવિધાઓ સાથોસાથ પાણી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, જેવા ક્ષેત્રોમાં પણ ગુજરાતે ઉડીને આંખે વળગે એવો વિકાસ વડાપ્રધાનના દિશાદર્શનમાં સાધ્યો છે.
 બે દાયકા અગાઉ રાજ્યના માત્ર 26 ટકા ઘરોમાં પીવાનું પાણી નળથી મળતું હતું.
 નરેન્દ્રભાઇએ જલ જીવન મિશન શરૂ કરાવ્યું અને 97 ટકા ઘરોમાં નળથી જળ મળે છે.
 ભાઇઓ બહેનો, શિક્ષણનો પાયો પણ સાથોસાથ મજબુત કરી ગુજરાતના બાળકો-યુવાનોને ઘરઆંગણે વર્લ્ડ ક્લાસ શિક્ષણ આપવાનું મહત્વનું કદમ ઉઠાવ્યું છે.
 આની સાથે સાથે, શાળાઓમાં બાળકોના નામાંકનનું પ્રમાણ પણ આદરણીય નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અભિયાનને આગળ ધપાવતા વધાર્યું છે. ફી
 બે દાયકા પહેલા જે સ્કુલ ડ્રોપ આઉટ રેટ 37 ટકા હતો તે ઘટીને 3 ટકા જેટલો નીચો ગયો છે.
 રાજ્યની ૩૩ હજાર ઉપરાંત શાળાઓના 45 લાખ જેટલા બાળકો અને 2 લાખ શિક્ષકોના પર્ફોર્મન્સ, એટેન્ડન્સના વગેરેની ઓનલાઇન મોનિટરિંગની પહેલ ગુજરાતે કરી છે.
 આપણું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દેશનું પ્રથમ ટેકનોલોજીકલ એજ્યુકેશનલ આર્કીટેક્ચર બન્યું છે.
 વર્ષે દિવસે પાંચ સો કરોડ ડેટાનું અહીં વિશ્લેષણ થાય છે અને તેના આધારે શાળા શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક સુધાર આવ્યા છે.
 ગુજરાતમાં આજે નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં સેક્ટરલ યુનિવર્સિટીનો નવો યુગ શરૂ થયો છે.
 વિવિધ 102 યુનિવર્સિટીઝ, શોધ, મિશન સ્કુલ ઓફ એક્સેલન્સના પરિણામે નવી શિક્ષણ નીતિને અનુરૂપ જ્ઞાન હવે ઘર આંગણે મળતું થયું છે.
 સૌની આરોગ્ય સુખાકારી માટે હેલ્થ સેક્ટરને અમારી સરકારે પ્રાથમિકતા આપી છે.
 માતા મૃત્યુ દર અને નવજાત શિશુ મૃત્યુ દરમાં પણ વ્યાપક ઘટાડૉ થયો છે.
 1 કરોડ 45 લાખ લાભાર્થીઓને PMJAY – ‘મા’ યોજના અન્વયે હેલ્થ કાર્ડ અપાયા છે.
 આ યોજના અંતર્ગત સારવાર માટે ૨૫૯૪ હોસ્પિટલ ઉપલબ્ધ છે.
 નાગરિકોને કોઇ પણ તકલીફમાં તેમના ઘરની નજીકના સ્થળે 30 મિનીટમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 7294 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
 ભાઇઓ બહેનો, ગુજરાતની આર્થિક ગતિવિધિના ચાલક બળ એવા ઉદ્યોગ ક્ષેત્ર, રોજગાર કૌશલ્યનો પણ આપણે એટલો જ ખ્યાલ રાખ્યો છે.
 વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગુજરાતમાં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની સફળ શૃંખલાને પગલે વિશ્વના મોટા ઉદ્યોગ ગુજરાતમાં આકર્ષાયા છે.
 ગુજરાત સૌથી વધુ FDI મેળવનારા રાજ્યોની શ્રેણીમાં અગ્રેસર છે.
 નરેન્દ્રભાઇએ ગિફ્ટ સિટીમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેંજ કાર્યરત કરાવીને વિશ્વ વેપારમાં ગુજરાતનો ડંકો વગાડી દીધો છે.
 MSMEને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે આજે ગુજરાતમાં 8.66 લાખ MSME ધમધમે છે.
 ઔદ્યોગિક ઉત્પાદનો 16.19 લાખ કરોડે પહોંચ્યા છે.
 ગુજરાત ઓટોહબ, મેન્યુફેક્ચરિંગ હબ, પેટ્રો-કેમિકલ હબ, ફાર્મા હબ બનીને દેશના ઔદ્યોગિક વિકાસનું ચાલક બળ બન્યું છે.
 પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના અમલમાં પણ ગુજરાત રોડ, રેલ, વોટર વે, એર વે સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ દ્વારા ઉલ્લેખનીય યોગદાન આપે છે.
 આપણે આ બધી સિદ્ધિઓ મેળવી શક્યા છીએ કેમ કે, આદરણીય નરેન્દ્રભાઇનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે.
 આ દશકને ટેક્નોલોજીનો દશક બનાવી ટેકનોલોજી યુક્ત વિકાસની તેમની નેમ આપણે પાર પાડી છે.
 નવી આઇ.ટી. અને આઇ.ટી.ઇ.એસ. પોલીસી, બાયોટેકનોલોજી પોલિસી, સેમિ કંડક્ટર પોલિસી, ઇલેક્ટ્રીકલ વ્હિકલ પોલિસી, અને તાજેતરમાં જ ડ્રોન પોલિસી આપણે જાહેર કરી છે.
 પોલિસી ડ્રીવન સ્ટેટ, સિટિઝન સેન્ટ્રીક સર્વિસિઝ અને સસ્ટેનેબલ અર્બન ડેવલોપમેન્ટ, ગુડ ગવર્નન્સના અનેક નવા કિર્તિમાન આપણે હાંસલ કર્યા છે.
 વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન, અમારી ટીમ ગુજરાતનો અવિરત પુરુષાર્થ અને સૌ ગુજરાતીઓના પીઠબળથી ગુજરાતને આઝાદીના અમૃત વર્ષના આ સ્વતંત્રતા પર્વે વિકાસની વધું ઉંચી ઊડાન ભરાવવાનો સંકલ્પ લઇએ.
 સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થઇએ.
 ઘરે ઘરે તિરંગો લહેરાવી મા ભારતીનું યશોગાન કરીએ.
 ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા પર્વની અનેક અનેક શુભેચ્છા પાઠવું છું.
 જય જય ગરવી ગુજરાત………. ભરત માતા કી જય …..

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *