
સુરત, 14 ઓગષ્ટ : આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું છે. જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને એકતાના સૂત્રમાં પરોવાઈ ગયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન’ એ ભારતીયોને તેમના ઘરો, વ્યવસાય સ્થાનો પર તિરંગો લહેરાવીને ભારતની એકતાનું ગૌરવગાન કરવા અને દેશ પ્રત્યે સમર્પણભાવની જ્યોતને પ્રજ્વલિત કરવા માટેની વડાપ્રધાનની એક અભિનવ પહેલ છે.
આ ઝુંબેશમાં આપણે સૌ ઉત્સાહથી જોડાયા છીએ ત્યારે એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આપણો પહેલો રાષ્ટ્રધ્વજ બન્યો ત્યારથી આજ સુધીમાં તેમાં કયા ફેરફારો થયા છે.? કારણ કે, રાષ્ટ્રધ્વજ કોઈ પણ રાષ્ટ્રની ગરિમા અને પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણો રાષ્ટ્રીય ત્રિરંગો ધર્મ અને જાતપાતથી પર રહી ‘યુનિટી ઈન ડાયવર્સિટી’(વિવિધતામાં એકતા)ની સૌથી શક્તિશાળી અભિવ્યક્તિ છે, જે રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધે છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણતાના પાવન અવસરે રાષ્ટ્રધ્વજ ત્રિરંગાથી વધુ ચડિયાતો દેશભક્તિની ભાવના અને પ્રેરણાનો સર્વોચ્ચ સ્ત્રોત બીજો કયો હોઈ શકે.? એટલે જ, ભારતીય રાષ્ટ્રધ્વજની ઉત્ક્રાંતિ અનેક તબક્કાઓમાંથી પસાર થઈને તે આપણે જોઈએ છીએ એવા વર્તમાન સ્વરૂપ સુધી પહોંચી છે. એક રીતે, તે રાષ્ટ્રના રાજકીય વિકાસને પ્રતિબિંબિત કરે છે. આવો જાણીએ, આપણા રાષ્ટ્રધ્વજ “ત્રિરંગા” નો ભવ્ય ઈતિહાસ…
પ્રથમ ભારતીય ધ્વજ-1905

ભારતના ઈતિહાસમાં વર્ષ 1905 પહેલા સમગ્ર ભારતની અખંડિતતા દર્શાવતો કોઈ રાષ્ટ્રધ્વજ અસ્તિત્વમાં ન હતો. સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન 1905 માં સૌપ્રથમ સમગ્ર ભારત માટે રાષ્ટ્રધ્વજની કલ્પના કરી હતી. સિસ્ટર નિવેદિતાએ બનાવેલા ધ્વજમાં કુલ 108 જ્યોતિઓ હતી. આ ધ્વજ ચોરસ આકારનો હતો. ધ્વજના બે રંગ હતા-લાલ અને પીળો. લાલ રંગ સ્વતંત્રતા સંગ્રામનું અને પીળો રંગ વિજયનું પ્રતિક છે. ધ્વજ પર બંગાળી ભાષામાં ‘વંદે માતરમ’ લખેલું હતું અને તેની મધ્યમાં વજ્ર (એક પ્રકારનું શસ્ત્ર) અને સફેદ કમળની આકૃતિ પણ હતી. હાલમાં આ ધ્વજ પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત આચાર્ય ભવન મ્યુઝિયમમાં સચવાયેલો છે.
કલકત્તા ધ્વજ : 1906

સિસ્ટર નિવેદિતા બાદ શચિન્દ્રપ્રસાદ બોઝ દ્વારા ડિઝાઈન કરેલો ધ્વજ તા.7ઓગસ્ટ,1906 ના રોજ કોલકાતા (તે સમયે કલકત્તા)ના પારસી બાગાન ચોક(ગ્રીન પાર્ક)માં ફરકાવવામાં આવ્યો હતો. કલકત્તા ધ્વજ તરીકે ઓળખ પામેલો આ પ્રથમ ભારતીય બિનસત્તાવાર ધ્વજ હતો. આ ધ્વજમાં એકસરખી પહોળાઈની ત્રણ આડી પટ્ટીઓ હતી. ટોચની પટ્ટી લીલી હતી, મધ્યની પીળી અને નીચેની પટ્ટી લાલ હતી. સૌથી ઉપરની પટ્ટીમાં બ્રિટિશ શાસિત ભારતના આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા 8 અર્ધ-ખુલ્લા કમળના ફૂલો હતા, અને નીચલી પટ્ટીમાં સૂર્ય અને અર્ધચંદ્રાકાર ચંદ્ર દર્શાવવામાં આવ્યો હતો. ધ્વજની મધ્યમાં ‘વંદે માતરમ’ સૂત્ર લખેલું હતું.
સપ્તર્ષિ ધ્વજ : 1907

સૌપ્રથમ વખત, વિદેશી ધરતી પર- જર્મનીના સ્ટટગાર્ટ ખાતે મેડમ ભીખાઈજી કામાએ તા.22 ઓગસ્ટ,1907ના રોજ આંતરરાષ્ટ્રીય સોશ્યલિસ્ટ કોંગ્રેસના અધિવેશનમાં ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ 'સપ્તર્ષિ ઝંડા' તરીકે ઓળખાય છે. આ ધ્વજ વર્ષ 1906 ના ધ્વજ જેવો જ હતો, પરંતુ તેમાં ટોચની પટ્ટીનો રંગ કેસરી હતો અને કમળને બદલે સાત તારા સપ્તર્ષિનું પ્રતિક હતું. સોશ્યલિસ્ટ કોંગ્રેસના બર્લિન અધિવેશનમાં પણ તેને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મેડમ કામાનો આ અસલ ધ્વજ આજે પુણેની મરાઠા અને કેસરી લાઈબ્રેરીમાં સંગ્રહિત છે.
*હોમ રૂલ ચળવળનો હિસ્સો બનેલો ધ્વજ : 1917

હોમ રૂલ ચળવળ દરમિયાન ભારતની ભૂમિ પર લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા 1917માં ત્રીજા પ્રકારનો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ "હોમ રૂલ આંદોલન" દરમિયાન કોલકાતામાં કોંગ્રેસના અધિવેશન દરમિયાન ફરકાવવામાં આવ્યો હતો. તે સમયે આ ધ્વજ સ્વતંત્રતા સંગ્રામની લડતનું પ્રતિક હતો. તેમાં 5 લાલ અને 4 લીલી એમ કુલ 9 પટ્ટીઓ હતી. ધ્વજના ઉપરના ડાબા ખૂણામાં યુનિયન જેક હતો. ઉપરના જમણા ખૂણામાં અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તારો હતો. બાકીના ધ્વજમાં સપ્તર્ષિના રૂપમાં ગોઠવાયેલા સાત તારાઓ હતા.
સ્વરાજ ધ્વજ : 1921

પાંચમા ક્રમમાં વર્ષ 1921માં આંધ્રપ્રદેશના પિંગલી વેંકૈયાએ બિજાવાડા (હાલ વિજયવાડા) ખાતે ગાંધીજીની સૂચના અનુસાર સફેદ, લીલા અને લાલ રંગોમાં પ્રથમ ‘ચરખા-ધ્વજ’ ડિઝાઇન કર્યો. આ ધ્વજ ‘સ્વરાજ-ઝંડા’ તરીકે ઓળખાય છે. અસલમાં આ ધ્વજમાં માત્ર બે કલર હતા, પરંતુ ગાંધીજી સૂચનને અનુસરીને સફેદ રંગ તેમાં ઉમેરવામાં આવ્યો. ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બન્યો હોવાથી મધ્યમાં ગાંધીજીના સ્પિનિંગ વ્હીલને સ્થાન અપાયું હતું. આ ધ્વજ વર્તમાન ધ્વજના સ્વરૂપનો પૂર્વજ છે. ધ્વજના ઈતિહાસમાં 1931નું વર્ષ યાદગાર રહ્યું, કારણ કે આ વર્ષે ત્રિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અને સ્વરાજ ધ્વજને 1931માં સત્તાવાર ધ્વજ તરીકે માન્યતા મળી.
ત્રિરંગો : 1947

બ્રિટિશ સરકાર દ્વારા ભારતની સ્વતંત્રતાની જાહેરાત પછી ભારતીય નેતાઓને સ્વતંત્ર ભારત માટે રાષ્ટ્રધ્વજની જરૂરિયાતનો અહેસાસ થયો. જે માટે ધ્વજને અંતિમ સ્વરૂપ આપવા માટે એક ધ્વજ સમિતિની રચના કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન તત્કાલીન આઈ.સી.એસ.ઓફિસર સુરૈયા બદરૂદ્દીન તૈયબજી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને 17 જુલાઈ,1947ના રોજ ધ્વજ સમિતિ દ્વારા મંજૂરીની મહોર આપીને સ્વીકારવામાં આવી હતી. 22 જુલાઈ,1947ના રોજ સમિતિની ભલામણ પર બંધારણ સભાએ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે તિરંગાને અપનાવ્યો. તિરંગામાં સમાન પહોળાઈની ત્રણ આડી પટ્ટીઓ છે, જેની ટોચ પર ભગવો રંગ- જે દેશની તાકાત અને હિંમત દર્શાવે છે. મધ્યમાં સફેદ રંગ- ધર્મ ચક્ર સાથે શાંતિ અને સત્ય દર્શાવે છે, અને ઘેરો લીલો રંગ સમૃદ્ધિ, વિકાસ અને ફળદ્રુપતા દર્શાવે છે. ત્રિરંગાની મધ્યની સફેદ પટ્ટીમાં 24 આરાઓ સાથેનું ઘેરા વાદળી રંગનું અશોક ચક્ર છે. આ ચક્ર દિવસના 24 કલાક અને આપણા દેશની સતત પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.
આ છે ‘યાત્રા તિરંગાની..’. ઘણા પરિવર્તન પછી આખરે આપણને સ્વતંત્ર ભારતનો ત્રિરંગો ધ્વજ મળ્યો. ભારતીય રાષ્ટ્રધ્વજની રચનાની આ ભવ્ય ગાથા જ ભારતની એકતા, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની ઝાંખી કરાવે છે.
તિરંગો લાલ કિલ્લા પર શા માટે ફરકાવવામાં આવે છે?
આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ રાષ્ટ્રીય ધ્વજને લાલ કિલ્લા પર 16મી ઓગસ્ટ-1947ના દિવસે પ્રથમવાર લહેરાવ્યો હતો. ત્યારથી લાલ કિલ્લા પર તિરંગાને ફરકાવવાની પરંપરા આઝાદીના પ્રતિકરૂપ બની ગઈ છે. આ ગૌરવભરી પ્રણાલી આજે પણ શરૂ છે. લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવામાં આવે છે ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો દેશવાસીઓ ઉભા થઈને આદર સન્માન સાથે સામૂહિકપણે રાષ્ટ્ર ગીત ગાય છે અને તિરંગાને સલામી આપે છે. અહીં એ નોધવું રહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા જગવિખ્યાત ‘દિલ્લી ચલો’ નારાથી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત