તાલાળા: ગરવા ગીરની ગીરીકંદરાઓની ગોદમાં વરસાદના અમીછાંટણાઓ વચ્ચે દબદબાભેર યોજાયો સ્વાતંત્ર્ય પર્વ

સ્થાનિક
Spread the love

તાલાળા, 15 ઓગષ્ટ : ગરવા ગીરની ગીરીકંદરાઓની ગોદમાં વરસાદના અમીછાંટણાઓ વચ્ચે તાલાલાના મીલ કમ્પાઉન્ડ ખાતે પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીએ ફૂલથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં બેસી ગીર સોમનાથ જિલ્લા પોલીસ પ્લાટૂનનું નિરિક્ષણ કર્યું હતું. જે પછી ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 1857થી 1947સુધીનો સમય હિન્દુસ્તાનનો ભવ્ય કાલખંડ રહ્યો છે. આ સમય અનેક સંઘર્ષનો સાક્ષી છે. મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ વગેરે વીરજનોએ આઝાદીની ચિનગારી ચાંપી જે મહાત્મા ગાંધી, સરદાર, ચંદ્રશેખર આઝાદ જેવા મહાનુભાવોએ દ્વારા વધુ પ્રજ્જવલિત થઈ. યુવા પેઢી આ બલિદાનને ન વિસરે તે માટેનો અવસર એટલે કે આઝાદીનો અમૃત મહોત્સવ. યુવા પેઢીમાં દેશભક્તિની પ્રેરણા સતત પાંગરતી રહે તે મહત્વનું છે. આજનો યુવાન આવનારા ભવિષ્યનું દિશાનિર્દેશન કરે છે. ભારત વર્ષના આવનારા સો વર્ષની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે આ દેશ વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ બને તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય પાયો છે. સ્વરાજ આવશે તો સુરાજ આવશે અને સુરાજ આવશે તો સુશાસનની સ્થાપના થશે અને ભારત ફરીથી સોને કી ચીડિયા બનશે. ઉપરાંત તેમણે સરકારની ઉજ્જવલા યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, જન ધન યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, પોષણક્ષુધા, આયુષ્માન કાર્ડ જેવી વિવિધ યોજનાનો ઉલ્લેખ કરી સંવેદનશીલ સરકારના અભિગમને અવિરત આગળ ધપાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજાયા હતા. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરની વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ નિદર્શન, સીદી બાદશાહ સમુદાય દ્વારા ધમાલ નૃત્ય, નગરપાલિકા હાઇસ્કુલ તાલાળા દ્વારા હેલ્લારો નૃત્ય, સેન્ટ મેરી હાઇસ્કુલ દ્વારા બેન્ડ પ્રદર્શન, અને પી.ટી.સી અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ ગીત ‘દેશ રંગીલા’ રજૂ કર્યું હતું. મંત્રીના વરદહસ્તે મહિલા પોલીસ પ્લાટૂનને રનિંગ શિલ્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મન્સ ટીમને સાંસદ રાજેશચુડાસમા તરફથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરને રૂ.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મચારીઓનું સન્માન કરાયું હતું.
આ સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં તો વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી SSR 2022 આધાર સીડિંગ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યાં હતાં. જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ બોર્ડ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપક નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સાંસદ રાજેશચુડાસમા, પૂર્વ મંત્રી જશા બારડ, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરી ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા તેમજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક લોકોએ પણ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *