
સુરત, 16 ઓગષ્ટ : આઝાદીકા અમૃત મહોત્સવના અવસરે 76માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સિવિલ ડિફેન્સ-સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહંમદ નવેદ એ. શેખ (એડવોકેટ)ની સુદીર્ઘ પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ તેમજ નિયંત્રક (નાગરિક સંરક્ષણ)આયુષ ઓક તથા ડી.જી.પી. (હોમગાર્ડ અને ના.સં.) નિરજા ગોટરૂની ભલામણથી રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

મોહંમદ નવેદ એ. શેખ વર્ષ 1997થી સિવિલ ડિફેન્સ-સુરતમાં સેવારત છે. તેઓ નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ-નાગપુરથી માસ્ટર ટ્રેનર થયા છે, અને શહેરનાં 15 હજારથી વધુ નાગરિકોને ફાયર, ફ્લડ, સર્ચ એન્ડ રેસ્કયુ જેવી નાગરિક સંરક્ષણ અંગેની પ્રાથમિક તાલીમ આપી ચૂક્યા છે. જે બદલ વર્ષ 2011માં તેમને મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. કોરોનાના વિકટ સમયમાં સિવિલ ડિફેન્સ ટીમ સાથે શહેરના વિવિધ NGO દ્વારા ફુડ પેકેટ અને મેડિકલ કીટ વિતરણનું સંકલન, પરપ્રાંતીયોને રેલ્વે દ્વારા તેમના માદરે વતન મોકલવા તેમજ નવી સિવિલના સંકુલમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં નોંધપાત્ર સેવાકીય અને આરોગ્યલક્ષી કામગીરી નિભાવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત