
સુરત, 19 ઓગષ્ટ : ભારત સરકારે, દુબઇ અને સિંગાપોર જેવા ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની ગાંધીનગર ખાતે ગીફટ સિટીમાં સ્થાપના કરી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર તથા ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગી અને સંજીવ ગાંધી તેમજ ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલા સહિત 40થી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ભારતના પ્રથમ બુલીયન એકસચેન્જ કે જેનું હાલમાં તા.29જુલાઇ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું તેની પણ મુલાકાત લેવામાં આવી હતી. ચેમ્બરના પ્રતિનિધી મંડળે ભારતના પ્રથમ બુલીયન એકસચેન્જની મુલાકાતની સાથે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ એકસચેન્જની પણ મુલાકાત લીધી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ મુલાકાત દરમ્યાન ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટરના ચેરમેન ઇન્જેટી શ્રીનિવાસ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં શ્રીનિવાસે જણાવ્યું હતું કે, આઇએફએસસી ઓથોરિટી એ ભારતમાં જે રીતે આરબીઆઇ અને સેબી ડોમેસ્ટીક માર્કેટમાં ફાયનાન્સિયલ પ્રોડકટની ઓથોરિટી ધરાવે છે એવી રીતે સ્વતંત્ર ઓથોરિટી ધરાવતું ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી છે. આ સેન્ટર મસાલા બોન્ડ, ગ્રીન બોન્ડ, ઇન્સ્યુરન્સ વિગેરે ફાયનાન્સિયલ પ્રોડકટનું લીસ્ટીંગ કરે છે. વિદેશી રોકાણકારો ભારતની વિવિધ કંપનીઓમાં સીધું રોકાણ કરી શકે તથા ભારતના રોકાણકારો વૈશ્વિક બજારમાં ફાયનાન્સિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકે તે માટેનું આ પ્લેટફોર્મ છે. અહીં હાલમાં બુલીયન એકસચેન્જ પણ શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારબાદ ચેમ્બરના પ્રતિનિધી મંડળે ગાંધીનગર ગીફટ સિટીના મેનેજિંગ ડિરેકટર તપન રે (આઇ.એ.એસ.) સાથે મિટીંગ કરી હતી તથા ગીફટ સિટીમાં કયા – કયા પ્રકારના પ્રોજેકટ સ્થાપી શકાય છે ? તેના વિષેની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેઓની સાથે સંકલન સાધીને ભારતના પ્રથમ બુલીયન એકસચેન્જ ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલીયન એકસચેન્જ’ની મુલાકાત લઇ આ એકસચેન્જના એમડી તથા સીઇઓ અશોક કુમાર ગૌતમ સાથે વાર્તાલાપ કરાયો હતો. સુરત એ ડાયમંડ તથા જ્વેલરીનું હબ હોવાથી બુલીયન એકસચેન્જથી ગોલ્ડ ખરીદવા સુરતના મેન્યુફેકચરર્સને એકસચેન્જની મેમ્બરશિપ લેવા અશોક કુમાર ગૌતમે અનુરોધ કર્યો હતો. ચેમ્બરના પ્રમુખે તેમણે સુરત આવવા માટે આમંત્રણ આપી ચેમ્બરના સભ્યો સાથે ઇન્ટરેકટીવ સેશન રાખવાનું સૂચન કર્યું હતું.
તદુપરાંત ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જ’ની પણ મુલાકાત લીધી હતી. જેમાં એકસચેન્જના ચીફ બિઝનેસ ઓપરેશન્સ અરૂણકુમાર ગણેશન દ્વારા એકસચેન્જ પરથી કઇ કઇ પ્રવૃત્તિ કરી શકાય છે ? તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ એકસચેન્જ ગ્રીન બોન્ડ ઇશ્યુ એન્ડ લિસ્ટીંગ, મસાલા બોન્ડ ઇશ્યુ એન્ડ લીસ્ટીંગ, ઇન્ટરનેશનલ કેપીટલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ, કોમોડીટી માર્કેટ તથા તમામ પ્રકારની ડેરીવેટીવ્ઝમાં ટ્રેડીંગ કરવાનું પ્લેટફોર્મ હોવાનું જણાવ્યું હતું. વિશ્વના ૩૦ મહત્વના એકસચેન્જીસ પર લીસ્ટેડ ઇકવીટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આ પ્લેટફોર્મ છે. આવું પ્લેટફોર્મ ભારતમાં અન્ય કોઇ એકસચેન્જ દ્વારા પૂરું પાડવામાં આવતું નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને ગ્રીન ફાયનાન્સ મેળવવા માટે સરળતા થઇ રહે તે હેતુથી ચેમ્બર તેના સભ્યો વતિ ગ્રીન બોન્ડ ઇશ્યુ કરવા માગતી હોય તો કયા પ્રકારની પ્રક્રિયા કરવાની રહેશે ? તે અંગેની માહિતી મેળવી હતી. આ અંગે શ્રીગણેશને ચેમ્બરને પ્રપોઝલ બનાવી આઇએફએસસીને મોકલી આપવા જણાવ્યું હતું. સાથે જ ટેકનોલીગલ મુશ્કેલી આવે તો એવા સંજોગોમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એકસચેન્જ ચેમ્બરને વિશ્વની કોઇપણ મોટી બેન્ક તથા ભારતની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કે જેઓ દ્વારા ગ્રીન બોન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે તેની સાથે સીધું જોડાણ કરાવવામાં મદદ કરશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગ્રીન બિલ્ડીંગ પ્રોજેકટ, સોલાર વીન્ડ, ઇલેકટ્રીક વ્હીકલ, બાયો સીએનજી પ્લાન્ટ, વેસ્ટમાંથી એનર્જીના પ્રોજેકટ, વોટર ટ્રિટમેન્ટના પ્રોજેકટને ગ્રીન બોન્ડમાં આવરી લેવામાં આવ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત