કેજરીવાલ અને સિસોદિયાને બદનામ કરવાન ભાજપ દ્વારા CBIની રેડ પાડવામાં આવી છે : ઇટાલિયા

સ્થાનિક
Spread the love

સુરત, 20 ઓગષ્ટ : સુરતમાં શનિવારે આપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીએ આ દેશની અંદર એક નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરી છે, અને લોકોને પણ ધીરે ધીરે આ નવા પ્રકારની રાજનીતિ પર વિશ્વાસ વધતો જાય છે. હમણાં જ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ ભારતને નંબર વન બનાવવાના મિશનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે દુનિયાના બીજા નાના નાના દેશો જે ભારત પછી આઝાદ થયા અથવા તો બીજા વિશ્વયુદ્ધ પછી બરબાદ થઇ ગયા, આમ છતાં પણ તે દેશો વિશ્વના સમૃદ્ધ દેશો બન્યા છે અને પોતાના દેશના નાગરિકોને પણ સુખ સુવિધા આપી રહ્યા છે. જો ભારત પછી આઝાદ થયેલા દેશ ભારત કરતાં પણ વધુ સમૃદ્ધ અને સક્ષમ બની શકતા હોય તો ભારત વિશ્વનો નંબર વન દેશ કેમ ન બન્યો? અને હવે ભારતને નંબર વન દેશ બનાવવા માટેનો એક વિચાર લઇ અરવિંદ કેજરીવાલજીએ એક મિશનની શરૂઆત કરી.

આ મિશનની અંદર કેજરીવાલએ 5 સંકલ્પ રજૂ કર્યા. દેશના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ મળવું જોઈએ, દરેક નાગરિકને સારી આરોગ્ય વ્યવસ્થા મળવી જોઈએ, ખેડૂતોને એમનો અધિકાર મળવો જોઈએ, મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ અને દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જવો જોઈએ. આ અભિયાન શરૂ કરવા માટે દેશભરમાંથી અરવિંદ કેજરીવાલજીને ખૂબ આવકાર મળ્યો. ગુજરાતમાં પણ આ વિચાર પહોંચાડવા માટે અરવિંદ કેજરીવાલજીએ સતત ગુજરાતમાં પ્રવાસ કરી ગુજરાતની જનતાને ગેરંટીઓ આપી દેશને નંબર વન બનાવવાનું વિઝન આપ્યું. અને તેમને ગુજરાતમાં પણ ખૂબ આવકાર મળ્યો. આમ આખા દેશમાંથી, ગુજરાતમાંથી તેઓને આવકાર અને સ્વીકાર મળવા લાગ્યો એટલે ભાજપ વાળા ફફડી ઉઠ્યા છે. અને ભાજપ વાળા ડરી ગયા છે, ભાજપના લોકોને સમજાતું નથી કે શું કરવું અને શું ના કરવું. જે રીતે આમ આદમી પાર્ટી શાળા બનાવવાની, હોસ્પિટલ બનાવવાની મુદ્દાની રાજનીતિ કરે છે અને ભાજપ વાળા પાસે તેનો જવાબ નથી એટલે આખરે ભાજપનું વ્યવસ્થાતંત્ર આમ આદમી પાર્ટીની છવી ખરાબ કરવા લાગી ગયું છે.
દુનિયાના મહાસત્તા તરીકે ઓળખાતા દેશ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત છાપામાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની અંદર ફ્રન્ટ પેજમાં દિલ્હીના શિક્ષણ મોડલની આખી કવર સ્ટોરી છપાઈ, આખી દુનિયાના દેશોએ તે જોયું, સિસોદિયાનો ફોટો અને દિલ્હીની સરકારી શાળાઓનો ફોટો અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારમાં છપાયો. વિશ્વ કક્ષાએ ભારતની શિક્ષણ વ્યવસ્થાની નોંધ લેવાય એ બાબતથી તમામ ભારતવાસીઓને ગર્વ થવું જોઈએ, કે દુનિયાના સૌથી મોટા છાપાની અંદર દિલ્હીની સરકારી શાળા વિશે છપાયું. પરંતુ આ વાતથી ખુશ થવાના બદલે, આ વાતની પ્રશંસા કરવાના બદલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે.અને જે દિવસે દુનિયાભરના લોકોએ અને ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીની સરકારી શાળાના વખાણ કર્યા એ જ દિવસે સિસોદિયાના ઘરે CBI મોકલવામાં આવી. આ પહેલીવાર નથી, અગાઉ પણ તેમના ઘરે CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી, તેના પહેલા કેજરીવાલના બેડરૂમ સુધી CBIની રેડ પડેલી છે. ક્યારેય કશું જ હાથમાં લાગ્યું નથી, એ CBI રેડ થઇ પછી ખૂબ જ શોર મચાવવામાં આવેલો પણ ક્યારેય કંઈ મળ્યું નથી. એ પછી દિલ્હીમાં શુમલા કમિટી બનાવવમાં આવેલી અને દિલ્હીના CM હાઉસની રાત દિવસ સુધી CBIએ 400 જેટલી ફાઈલ તપાસ કરેલી છતાંય આજ સુધી કંઈ મળ્યું નથી. વધુ એક વખત સિસોદિયાને અને આમ આદમી પાર્ટીને હેરાન કરવા માટે આ CBI તપાસનું ગતકડું ચાલુ કર્યું છે. આમ આદમી પાર્ટી આ તપાસને સ્વીકારે છે આવકારે છે, તપાસ કરો કંઈ વાંધો નથી. પરંતુ તમારી આ તપાસ જો રાજકીય મતભાવનાથી પ્રેરિત હોય તો તે ખોટું છે.

જે રીતે મનીષ સિસોદિયાએ દિલ્હીમાં શાનદાર શાળાઓ બનાવીને આખા દેશના વાલીઓના મનમાં એક આશા જગાવી છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરે ધીરે મજબૂત બની રહી છે, તેનાથી ડરીને ભાજપના લોકોએ તેમના ઘરે CBI મોકલી છે. ભાજપના લોકો એવો દાવો કરે છે કે આ રેડ શિક્ષણના મુદ્દે નથી પણ દારૂના મુદ્દે છે. મારું માનવું છે કે ગુજરાતમાં પણ ઝેરી દારૂ પીને કેટલાય લોકોના મૃત્યુ થયા છે અને ગુજરાતમાં દર વર્ષે ગેરકાયદેસર 20,000 કરોડનો દારૂ વેચવામાં આવે છે તો એની પણ CBI તપાસ થવી જોઇએ.હકીકતમાં મુદ્દો દારૂનો નથી પરંતુ મુદ્દો કેજરીવાલનો છે, મુદ્દો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં રોકવાનો છે. પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે મળીને મજા કરી છે પણ હવે ઈમાનદાર આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપને કઈ હારી જવાનો અને કઈ ગુમાવી દેવાનો ડર છે. એટલે સિસોદીયાના ઘરે CBIની રેડ પાડવામાં આવી અને આખા દેશમાં એક હાવનો માહોલ ઉભો કરવાની કોશિશ ચાલી રહી છે. અમે ભાજપના આવા કાયરતાપૂર્ણ કૃત્યથી ડરતા નથી, અમે એનો સામનો કરીશું. ગુજરાતમાં ભાજપને ડર લાગવાથી દિલ્હીમાં ભાજપ દ્વારા સિસોદિયા અને આમ આદમી પાર્ટીને હેરાન કરવામાં આવે છે તેનો જવાબ આપવા સિસોદિયા આવનારા દિવસોમાં ગુજરાતમાં આવશે અને ગુજરાતના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરશે.ભાજપના લોકોને ખબર જ નથી કે કૌભાંડ થયું છે કે નથી થયું. એ લોકોને એ પણ નથી ખબર કે એક લાખનું કૌભાંડ થયું છે કે 50 લાખનું કૌભાંડ થયું છે. મતલબ સાફ છે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં રોકવા માટે અને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીમાં જે ભરોષો બેઠો છે એ ભરોસો તોડવા અને કેજરીવાલ અને સિસોદિયાને બદનામ કરવા માટે ભાજપ દ્વારા CBIની રેડ પાડીને આમ આદમી પાર્ટીને રોકવાની આ કોશિશ થઇ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીને જનતાનો ટેકો છે એટલા માટે આમ આદમી પાર્ટી રોકાશે નહીં, કોઈનાથી ડરશે નહીં, આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઈમાનદાર આમ આદમી પાર્ટીનો વિજય થશે.
આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સાથે સુરત મહાનગરપાલિકાના મુખ્ય વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી તથા સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા પણ ઉપસ્થિત હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *