
સુરત, 23 ઓગષ્ટ : રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પુરૂં પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓ માટે પાકા મકાનમાં રહેવું એ સ્વપ્નવત હોય છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામના રહીશ દિપક બાલુ પ્રજાપતિને પીએમ આવાસ યોજના હેઠળ પાકું આવાસ મળતા તેમનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂ.1.20 લાખની સહાય મળી છે,અને બાકીની રકમની લોન કરાવી મકાનને વધુ સુવિધાયુક્ત બનાવ્યું છે.

લાભાર્થી દિપકભાઈ કહે છે કે, હું ડ્રાઇવરની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી આર્થિક સ્થિતિ સામાન્ય છે. અગાઉ અમારું ઘર એક કાચું ઝુંપડું જ હતું, જેમા ટોઈલેટ-બાથરૂમની પણ વ્યવસ્થા ન હતી. ઘરના ઘરનું સપનું કોણ જોતું નથી? હું પણ ઈચ્છતો હતો કે મારો પરિવાર લીંપણના ઘરને સ્થાને પાકી છતવાળા મકાનમાં રહે. કાચા મકાનમાં ચોમાસાની ઋતુમાં ચોમાસાનું વરસાદી પાણી ભરાઇ જતું અને અમને ખુબ મુશ્કેલી પડતી હતી.અમારા ગામના સરપંચ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ અમે આ યોજના માટે ફોર્મ ભર્યુ અને સરકાર દ્વારા ગણતરીના દિવસોમાં તે મંજુર કરવામાં આવ્યું. ત્યારબાદ 6 હપ્તામાં સરકાર દ્વારા અમારા ખાતા સીધા નાણા જમા થતા ગયા અને એમા અમારી બચાવેલી જમાપુંજી ઉમેરી અમારા માટે એક સુંદર અને સુવિધાયુક્ત પાકું આવાસ બનાવી શક્યા છીએ. સરકારની આ યોજના વગર આવું સુંદર ઘર બનાવવું શક્ય ન હતું. અમારા સપનાના ઘરમાં હવે અમે સુખેથી રહીએ છીએ.

વધુમાં તેમણે કહ્યું કે, મુશ્કેલીના સમયમાં સરકારનો સહારો મળ્યો અને અમને પાકું મકાન બનાવવા માટે સહાયના રૂપે હાથ લંબાવ્યો છે. અમારા કપરા સમયમાં સાથ આપવા તથા સ્વપ્નનું ઘર બનાવવા સહાય આપવા બદલ રાજ્ય-કેન્દ્ર સરકાર અને સરકારી તંત્રનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત