ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનાર ‘ ટ્રેડ એકસ્પો–2022 ’ની મુલાકાત લેવા માટે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને આમંત્રણ

વેપાર જગત
Spread the love

સુરત, 23 ઓગષ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા, સુરત ખાતે ટ્રેડ એકસ્પો ઇન્ડોનેશિયા– 2022 વિષે રોડ શો યોજાયો હતો. જેમાં મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ આગુસ સાપ્તોનો તથા ઇકોનોમિક કોન્સુલ તોલ્હા ઉબેદી હાજર રહયા હતા.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આ રોડ શોમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયાના દ્વિપક્ષીય વેપારીક સંબંધો ખૂબ જ સારા છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાતા વિવિધ એકઝીબીશનોમાં ઇન્ડોનેશિયાના પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત લેવામાં આવે છે ત્યારે સુરતના ઉદ્યોગકારોને સાથે રાખીને ચેમ્બર ઓફ કોમર્સનું એક પ્રતિનિધિ મંડળ ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનાર ટ્રેડ એકસ્પો– 2022ની વિઝીટ કરશે.
ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ આગુસ સાપ્તોનોએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે આગામી તા.19થી 23 ઓકટોબર, 2022 દરમ્યાન ટ્રેડ એકસ્પો– 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેન્યુફેકચરર્સ, ઓટો મોબાઇલ્સ, આઇટી, ફાર્મા, હેલ્થકેર એન્ડ બ્યુટી સેકટર, ફર્નિચર એન્ડ હોમ ડેકોર, ફૂડ એન્ડ બેવરેજ, ફેશન એન્ડ એસેસરીઝ, મેડીકલ ઇકવીપમેન્ટ તથા ડિજીટલ એન્ડ સર્વિસિસ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી ઇન્ડોનેશિયામાં આ ટ્રેડ એકસ્પો યોજાય છે વિશ્વભરના જુદા–જુદા દેશોમાંથી ઉદ્યોગકારો એકસ્પોની વિઝીટ કરે છે. ગત વર્ષે યોજાયેલા ટ્રેડ એકસ્પોની વિશ્વભરમાં ભારતથી સૌથી વધુ બાયર્સે મુલાકાત લીધી હતી. એકઝીબીશન દરમ્યાન ટેકસટાઇલ એસોસીએશનો સાથે મિટીંગ, બીટુબી મિટીંગ, બિઝનેસ ફોરમ, ઓનલાઇન/ઓફલાઇન મિટીંગો થાય છે. આથી તેમણે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને આ એકસ્પોની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે કાર્યક્રમનું સંચાલન કરી અંતે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *