કચ્છ : સરહદ ડેરીમાં ગુજરાતના પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું પીએમ મોદી કરશે લોકાર્પણ

સ્થાનિક
Spread the love

અંજાર, 23 ઓગષ્ટ : વડાપ્રધાન નરેન્દ્રમોદી 27મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે. તો આવો સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટની વિશે જાણકારી મેળવીએ.
ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છની આ છે સરહદ ડેરી…. આ ડેરીમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થશે. અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો આ રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે. જેની વીજ ઉત્પાદન ક્ષમતા 3 મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે.
સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દુધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે. આજથી એક દાયકા પહેલા શરુ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે.ડેરીની વિકાસયાત્રા વિશેના સંસ્મરણો પણ તેમણે વાગોળ્યા હતા.
ગુજરાતની વિકાસયાત્રામાં શ્વેત ક્રાંતિનું અનેરું મહત્વ છે. હવે કચ્છમાં ‘સરહદ ડેરી’ – સોલાર પાવર પ્લાન્ટ થકી આ વિકાસયાત્રામાં નવું પરિમાણ ઉમેરી રહી છે. ત્યારે આ પરિમાણ સરહદે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે, તે નિશ્ચિત છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *