સુરત : કામરેજ સ્થિત શ્રી દેવકી ગૌશાળા ખાતે ગૌમાતાના આત્માના કલ્યાણાર્થે સવા લાખ મૃત્યુંજય જાપ મહાયજ્ઞ યોજાયો

ધર્મ
Spread the love

સુરત, 23 ઓગષ્ટ : સમગ્ર દેશમાં હાલ પશુઓમાં અને ખાસ કરીને ગૌ માતામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ વાયરસના કારણે સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં ગૌમાતા મોતને શરણ પામી છે.ત્યારે આ મૃતક ગૌમાતાના આત્માના કલ્યાણાર્થે નિરાધાર ગાય માતાની સેવા કરતી અને માનસ સમપર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કામરેજ સ્થિત શ્રી દેવકી ગૌશાળા ખાતે શ્રાવણ મહિનાના ચોથા અને અંતિમ સોમવારે સવારથી સવા લાખ મૃત્યુંજય જાપ મહાયજ્ઞ, ગૌમાતાનું પૂજન, સાંજે મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દૂ ધર્મની ગૌ માતાની પૂજાનું અનેરું મહત્વ છે.33 કોટી દેવતાઓ જેમના દેહમાં વસે છે તેવી ગૌમાતાની સેવા તો ગત જન્મના સંચિત પુણ્ય કર્મ હોય તો જ મળે છે.ફક્ત હિન્દૂ જ નહીં પણ સમગ્ર માનવજાત પર અનેક ઉપકાર કરનારી ગૌમાતા આજે કાતિલ કહી શકાય તેવા લમ્પી નામના વાયરસથી પીડાઈને મૃત્યુ પામી રહી છે.તંત્ર દ્વારા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ વંશને બચાવવા અનેકવિધ પ્રયાસો થઇ રહ્યા છે તેમ છતાં આપણા કૃષિ પ્રધાન દેશમાં આ વાયરસના કારણે હજારોની સંખ્યામાં ગૌ માતાનું નિધન થયું છે ત્યારે, આ ગૌમાતાના આત્માના મોક્ષાર્થે શ્રી દેવકી ગૌશાળા ખાતે સવા લાખ મૃત્યુંજય જાપ મહાયજ્ઞનું આયોજન અનેરું અને સૂચક હતું તેમ કહીએ તો વધુ પડતું નહીં કહી શકાય.

માનસ સમપર્ણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને શ્રી દેવકી ગૌશાળાના પ્રણેતા ગોપાલ રબારીએ ગૌશાળા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોના સંદર્ભમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર હિન્દૂ સમાજની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમાન ગૌમાતાને બહુ મોટી સંખ્યામાં આપણે લમ્પી વાયરસના કારણે ગુમાવ્યા છે ત્યારે, માનવીના નિધન પાછળ તો આપણે સતકર્મ કરતા હોઈએ છીએ પણ ગૌ માતાના આત્માના મોક્ષાર્થે પણ આવું આયોજન કરવું જોઈએ અને તે આપણી હિન્દૂ સમાજની ફરજ છે.આથી, સૌ મિત્રોના સહયોગથી આ સવા લાખ મૃત્યુંજય જાપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.સોમવારે સવારના 8થી 1 કલાક સુધી આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.શાસ્ત્રમાં પારંગત એવા વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રી વશિષ્ઠ મહારાજના માર્ગદર્શન તળે આ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.સૌ એ ગૌમાતાના મોક્ષાર્થે યજ્ઞમાં આહુતિ આપી ભગવાનને આ વાયરસથી હવે મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

તેમણે વધુમાં જણવ્યું હતું કે આ યજ્ઞ બાદ સાંજે 5:30 કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.આ કાર્યક્રમોની સાથે સાથે ગૌશાળા ખાતે રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના નામી અનામી કલાકારોએ વહેલી સવાર સુધી સંતવાણીની રમઝટ બોલાવી હતી.અમારું ટ્રસ્ટ અનેકવિધ સેવાના કાર્યો કરી રહી છે.અમારી ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં નિરાધાર ગાય માતાને લાવીને સેવા કરવામાં આવે છે.દૂઝણી ગાયની સેવા તો કદાચ સૌ કોઈ કરે પણ અમારે ત્યાં તો ત્યજી દેવામાં આવેલી , વસૂકી ગઈ હોય તેવી બીમાર અને અશક્ત ગૌમાતાની સેવા કરવામાં આવે છે.ખુબ જ નાના પાયે શરૂ કરેલી આ ગૌશાળમાં હાલ 70થી વધુ ગૌ વંશ છે અને તેની સેવા કરવામાં આવી રહી છે.આ સેવાકીય મહાયજ્ઞમાં ધીરુ ચૌહાણ, મેહુલ રામાણી, ધર્મેશ પરમાર સહિત સમાજના વિવિધ વર્ગોનો ખુબ સહયોગ સાંપડી રહ્યો છે ત્યારે અમારા આ સેવાકીય મહાયજ્ઞમાં તન,મન અને ધનથી સહયોગ કરવા સમાજના તમામ વર્ગોને આ તબક્કે હું અપીલ પણ કરું છું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

2 thoughts on “સુરત : કામરેજ સ્થિત શ્રી દેવકી ગૌશાળા ખાતે ગૌમાતાના આત્માના કલ્યાણાર્થે સવા લાખ મૃત્યુંજય જાપ મહાયજ્ઞ યોજાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *