
સુરત,24 ઓગષ્ટ : નર્મદ યુનિવર્સિટી ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને ‘પ્રોગ્રામ ઓફિસર સન્માન સમારોહ’ યોજાયો હતો, જેમાં મંત્રીના હસ્તે શહેરની વિવિધ કોલેજોના 29 NSS પ્રોગ્રામ ઓફિસરોને શ્રેષ્ઠ કામગીરી બદલ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

20 વર્ષ સુધી પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા મંત્રી ડૉ. કુબેર ડીંડોરે જણાવ્યું કે, NSSમા 40,000થી શરૂ થયેલી વિદ્યાર્થીઓની સંખ્યા હવે 40 લાખ પર પહોંચી ગઈ છે. NSS રાષ્ટ્રનિર્માણની ચળવળમા અગત્યનો અને ઉમદા ફાળો આપી રહી છે. ગાંધીજી સાથે જોડાયેલી NSSની ધરોહર, પરિવર્તન એ જ નિયમ એવુ સૂચવતા એન.એસ.એસના મુદ્રા ચિહ્ન વિષે છણાવટ કરી તેમણે પરોપકાર અને જનહિત સાથે સંકળાયેલી NSS ની કાર્યનીતિની ઉંડાણપૂર્વક સમજ આપી હતી.

આ પ્રસંગે વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ શિક્ષણજગત સાથે તેમજ એન.એસ.એસ સાથે બહોળો અનુભવ ધરાવતા મંત્રી કુબેરભાઈના વ્યક્તિત્વની સરાહના કરી અને વાર્ષિક શિબિરના ડબલ બજેટ માટેની કામગીરીને બિરદાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત