
સુરત, 24 ઓગષ્ટ : વીર નર્મદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ‘આદિવાસી પારંપરિક વાનગી મેળા’ને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.કુબેરડીંડોરના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વહસ્તે બનાવાયેલી પોતાના ક્ષેત્રની વિશિષ્ટ વાનગીઓને પીરસવામાં આવી હતી, તેમજ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિપેદાશોને વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવી હતી.

સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક મોસમ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પારંપરિક, વિસરાતી જતી વાનગીઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અન્યોને તેની વિશિષ્ટતા તેમજ સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓની જાણ થાય એ હેતુથી પરંપરાગત વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં નાગલી અને ચોખાના રોટલા, વાંસ તેમજ કંકોડાનું શાક, લાલ ચોખાની ખીર, બફાણું, ભડકુ, અડદની દાળ, અડદનું ભૂજીયું, ખાટી ભાજીની દાળ, નાગલીના પાપડ જેવી વાનગીઓ વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરીને તેનું વેચાણ કર્યું હતું. તેમજ સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા મસાલા, અથાણા, પાપડ તેમજ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત લાલ અને કાળા ચોખા વેચાણ માટે ઉપલબ્ધ કરાયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત