સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 53મો ખાસ પદવીદાન સમારંભ યોજાયો

શિક્ષણ જગત
Spread the love

સુરત, 24 ઓગષ્ટ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 53મો ખાસ પદવીદાન સમારોહ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ડો.કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં 12 વિદ્યાશાખાની 97 જેટલી પદવીઓ 27,303 યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 36 પી.એચ.ડી. તથા 10 એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી.

વીર કવિ નર્મદની જન્મજયંતિના પાવન અવસરે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં દીક્ષાંત પ્રવચન કરતાં મંત્રી ડો.કુબેરએ શિક્ષણનો મહિમા વર્ણવ્યો હતો, અને વિદ્યાર્થીઓને સુશિક્ષિત બની સમાજ-રાજ્ય-દેશના વિકાસમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતું. મંત્રીએ જણાવ્યું કે, નિરાશાને નિરાશ કરે તેનું નામ યુવાન છે. જો ધનવાન બનવું હોય તો કણકણનો ઉપયોગ કરતા શીખવું જોઈએ અને શિક્ષિત-ગુણવાન બનવું હોય તો ક્ષણ ક્ષણનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. યુવાઓ પદવી પ્રાપ્ત કરી યુવાનો જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી પોતાના કાર્યક્ષેત્રમાં ડગ માંડી રહ્યા છે, ત્યારે જીવનમાં સુશિક્ષિત બનવાની સાથે વ્યવહારૂ જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

ડીંડોરે વધુમાં જણાવ્યું કે, શિક્ષણ સંસ્કાર આપે છે, અને સંસ્કાર માનવીય સ્વભાવને ઘડે છે, જે સ્વભાવ વિદ્યાર્થીઓના વર્તમાનને વધારે સુંદર બનાવે છે. ગુજરાતના શિક્ષણનો પાયો અને સંસ્કારની ધરોહર મજબૂત છે. દુનિયાના મહત્તમ દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ તેની સાબિતી છે. વિશ્વની કોઇપણ ભાષા કે સંસ્કૃતિ સાથે અનુકૂલન સાધવું એ ગુજરાતીની ખાસિયત હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું કે, માત્ર સાયન્સ ફેકલ્ટી જ નહીં, પણ અન્ય તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં પોતાનું કૌવત દર્શાવી શકે તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો છે. જેમાં રૂ.2.50 લાખની સહાય મેળવીને પોતાના ઇનોવેશનને દુનિયા સમક્ષ રજૂ કરવા અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને યુવાનો શિક્ષણ અને પુરૂષાર્થથી સાકાર કરે તેવું આહવાન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને સખ્ત પરિશ્રમ જ સફળતાની ચાવી છે. શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનિર્માણનું પહેલું પગથિયું છે, ત્યારે યુવાનો પરિશ્રમની પરાકાષ્ઠા દ્વારા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તેવો આગ્રહ તેઓએ વ્યક્ત કરી ઉચ્ચ શિક્ષણ બાદના નવા જીવનમાં પગલાં માંડી રહેલા યુનિવર્સિટીના તમામ તેજસ્વી તારલાઓને શુભેચ્છા પાઠવી હતી.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ પ્રસંગે વિડીયો સંદેશ દ્વારા સ્નાતક, અનુસ્નાતક ઉપાધિ મેળવનાર 27,303 વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે, યુવાધન સફળતાના માર્ગે આગળ વધવા સ્ટાર્ટ અપ, ઈનોવેશન, સંશોધન જેવા ક્ષેત્રોમાં પદાર્પણ કરે તે જરૂરી છે. જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે એમ જણાવતાં મંત્રીએ પ્રત્યેક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર સતત અને સખત મહેનતથી કારકિર્દીના રાહ પર આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.કિશોરસિંહ એન.ચાવડાએ જણાવ્યું કે, 350 કોલેજો અને સેન્ટરો સાથે જોડાયેલી વીર નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સંવૈધાનિક રીતે લાગુ કરવા યુનિવર્સિટીએ ખાસ સેનેટનું આયોજન કર્યું હોવાનું જણાવી શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે તેમણે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવાની શીખ આપી હતી.

આ પ્રસંગે ઈ.કુલસચિવ ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવસિર્ટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *