
સુરત, 25 ઓગષ્ટ : માનવીને સેવા જ કરવી હોય તો તેને કોઈ મુશ્કેલીઓ નડતી નથી અને તે માટે બહુ બધા નાણાં હોવા જોઈએ તેવું પણ જરૂરી નથી.સુરતનું રક્ષક ગ્રુપ કઈંક આ વાતને યથાર્થ સાબિત કરી રહ્યું છે.સુરત શહેરમાં યુવા પેઢી મોટા પ્રમાણમાં જીન્સ પેન્ટ પહેરતી હોય તે સ્વાભાવિક છે ત્યારે, આ જીન્સ પેન્ટ પહેરી લીધા બાદ જયારે તેનો ઉપયોગ ન હોય ટેવ સમયે આ જીન્સ પેન્ટ સુરત રક્ષક ગ્રુપના સભ્યો અપીલ કરીને તેમની પાસેથી ઉઘરાવે છે અને આ જીન્સ પેન્ટમાંથી સ્કૂલ બેગ બનાવી તેને દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આપે છે.ગત દિવસોમાં આ ગ્રુપ દ્વારા તાપી જિલ્લાના આંતરિયાળ ગામડાઓમાં આ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય કાર્ય અંગે ગ્રુપના પ્રમુખ ગૌરવ પટેલએ જણાવ્યું હતું કે સુરતના સારા અને શુભચિંતક લોકો દ્વારા મળેલ જુના જીન્સ પેન્ટ જેમાંથી રક્ષક ગ્રુપએ તૈયાર કરેલ સ્કુલ બેગનું ગત દિવસોમાંદક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામોના વંચિત બાળકોને વ્યારા રક્ષક ગ્રુપ ની ટીમ દ્વારા વિતરણ કરવા માં આવ્યું હતું.આ સ્કૂલ બેગ પણ જરૂરિયાત મંદ બહેનો પાસે તૈયાર કરાવવા માં આવે છે જેથી એમને પણ રોજગારની તક મળી રહે.રક્ષક ગ્રુપ દક્ષિણ ગુજરાતના ગામડે ગામડે આ અભિયાન ચલાવી રહી છે.આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ગામોમાં કુલ 14,000 કરતા વધુ સ્કૂલ બેગોનું વિતરણ કરવામાં આવ્યું છે.આ વર્ષે અત્યાર સુધીમાં 1700થી વધુ સ્કૂલ બેગોનું વિતરણ કરવામાં આવ્યું છે આગામી સમયમાં હજુ પણ સ્કૂલ બેગનું વિતરણ કાર્ય ચાલુ રહેશે.આ સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.અમારા કાર્યમાં સહયોગ આપનારા સૌ કોઈનો અમે આભાર માનીએ છીએ.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોરોનાના વિપરીત કાળમાં સુરતના આ રક્ષક ગ્રુપ દ્વારા મોટા પાયે ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ગરમાગરમ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી સામાનની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.શહેરમાં કોઈ પણ પ્રસંગ દરમિયાન કોઈને ત્યાં વધેલી રસોઈની સામગ્રી આ ગ્રુપને જાણ કરતા જ વાહન લઈને કાર્યકર્તાઓ પહોંચી જાય છે અને આ રસોઈની સામગ્રીનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત