
સુરત, 25 ઓગષ્ટ : કેન્દ્રીય સ્કીલ ડેવલોપમેન્ટ, એન્ટરપ્રિન્યોરશીપ, ઈલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી વિભાગના રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર ઓરો યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા મેગા ઈવેન્ટમાં ‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટિકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર યુવાવિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. અહીં યુવા સ્ટાર્ટ અપ સાહસિકોની મુલાકાત લઈ તેમના આવિષ્કારો વિષે મંત્રીએ જાણકારી મેળવી હતી, અને કેટલાક રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ કેન્દ્રીય મંત્રી એ ઓરોબિંદો ઈન્ટી લાઈફ સેન્ટરની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ યુવાનો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ભારતના યુવાનોએ સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ ઉભી કરી છે. ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનુ નેતૃત્વ કરવા માટે તૈયાર છે અને અન્ય સંશોધનો સાથે જ 5જી માં ઉચ્ચ ક્ષમતાઓને વિકસિત કરવામાં રોકાણ કરવામાં આવી રહ્યુ છે.દેશમાં આજે કેન્દ્ર સરકારની યોજનાકીય સહાયના નાણાં લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જમા થઈ રહ્યા છે, જેની જાણ માટે તેના મોબાઈલમાં એસ.એમ.એસ. પહોંચે છે. આ ટેકનોલોજીનો જનહિતમાં ઉપયોગ અને લોકાભિમુ ખપારદર્શક શાસનનો પ્રતાપ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત જનસેવાઓને સશક્ત બનાવવા શાસનના ડિજિટલ તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમ જણાવી સ્ટાર્ટ અપ સાહસિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અગાઉ ભારતની ઈન્ફોસીસ, વિપ્રો, TCS, HCL જેવી ટેક કંપનીઓ વિશે જ લોકમુખે સાંભળવા મળતું હતું, જ્યારે આજે સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહનના કારણે 100થી વધુ યૂનિકોર્ન કંપનીઓ ઉભી થઈ ચૂકી છે, જે દેશવિદેશમાં પોતાની શક્તિઓના પરચમ લહેરાવી રહ્યા છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ તેમને સતત મોટિવેશન આપતા રહે છે એમ જણાવી મંત્રીએ ઉમેર્યું કે, યુવાનોમાં ઈન્વેસ્ટ કરવું એ ભારતના ઉજ્જવળ ભાવિ માટેનું ઈન્વેસ્ટ કરવા સમાન છે. કોવિડના વિકટ સમયમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર વિકસ્યું જેમાં ડિજિટલ ટેકનોલોજીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

સુરતના યુવાનોના ઉત્સાહ અને સુરતી સ્પિરિટની સરાહના કરતા ચંદ્રશેખરે જણાવ્યું કે, D એટલે ડાયમંડ અને D એટલે ડિજિટલ. T એટલે ટેક્ષટાઈલથી સુરત પ્રખ્યાત હોય તો T એટલે ટેકનોલોજીમાં પણ સુરત અને સુરતી યુવાનો મોખરે રહેવાની ક્ષમતા ધરાવે છે.

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા, રાજ્યના ઉચ્ચત્તર શિક્ષણ વિભાગના કમિશનર નાગરાજન, GTU આઈ-હબના સી.ઈ.ઓ.હિરેન મહેતા, યુનિવર્સિટીના એક્ટિંગ વાઈસ ચાન્સેલર સુરેશ માથુર, રજિસ્ટ્રાર અમરીષ મિશ્રા,અધ્યાપકો, યુવા સાહસિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત