
સુરત, 26 ઓગષ્ટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ‘ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા 26થી 28દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022’ને ખૂલ્લો મૂકતા જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ છે.

મુખ્યમંત્રીએ વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અહીં વિવિધ વિવિંગ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખે પહોંચી છે. એટલું જ નહીં, ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું, જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે એમ જણાવતા નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે

વિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે એવો આશાવાદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિનકુશળ લોકોને ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, ત્યારે પોતાની મૂળભૂત સમસ્યાઓ અંગે સંબંધિત વ્યાપારી વધુ માહિતગાર હોય છે એ વાતથી આ સરકાર સુપરિચિત છે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર લોકસમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી નીતિનિર્માણને પ્રાધાન્ય આપે છે.

કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે, આફતને અવસરમાં તબદીલ કરવાની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપી છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનએ શરૂ કરેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળતા ઉદ્યોગોએ વિકાસના ક્ષેત્રમાં પોતાની આગવી ક્ષમતાનો પરિચય દુનિયાને કરાવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં જ્યારે અમેરિકા જેવી મહાસત્તા કોરોના સામે ઘૂંટણીયે પડી ગઈ હતી, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે માઈક્રોપ્લાનિંગ કરી જનતા અને ઉદ્યોગકારો-વ્યાવસાયિકોને મુશ્કેલીનો અનુભવ થવા દીધો ન હતો. ગરીબ મધ્યમવર્ગને નિ:શુલ્ક અન્ન, ફ્રી વેક્સીન, લઘુ-મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવાની યોજનાઓ કેન્દ્ર સરકારે લાગુ કરી જેનો લાભ લાખો જરૂરિયાતમંદોએ મેળવ્યો છે. પ્રાકૃત્તિક ખેતીમાં ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ લઈ રહ્યું છે,ત્યારે ગાયના ગોબરમાંથી ગેસ, લિક્વિડ (સ્લરી) ઉત્પાદન માટે રાજ્ય સરકાર નાણાકીય સહાય આપે છે. કૃષિ ઉત્પાદનોના વધુ પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ખેડૂતો વેલ્યુ એડિશન અપનાવે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

એક્ઝિબિશનમાં બાયર્સને કાપડ ઉત્પાદકો સાથે સીધો સંપર્ક થઈ શકે છે અને એકસાથે એક જ સ્થળે સમગ્ર ગુજરાતમાં ઉત્પાદિત થતા જુદા જુદા વિવર્સના વિવિધ વેરાયટીના કાપડ જોઈને મુખ્યમંત્રીએ આયોજકોને એક્સ્પોનું સુચારૂ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા 20 કરોડ તિરંગા પૈકી સુરતની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીએ 7.50 કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર, ટેક્નિકલ ટેક્ષટાઈલને વેગ આપવા માટેની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પીએમ મિત્રા પાર્ક માટે 13 રાજ્યો પણ સહમત થયા છે. જે પૈકી ગુજરાત બજેટમાં ખાસ જોગવાઈ કરીને તેના અમલીકરણમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

સ્વાગત પ્રવચન કરતા ફોગવાના અધ્યક્ષ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, ખેતી પછી સૌથી વધુ રોજગારી આપવામાં કાપડ ઉદ્યોગ અગ્રેસર છે. સુરતના 20 લાખ લોકોને ટેક્ષટાઈલ સેક્ટર રોજગારી આપી રહ્યું છે, જ્યારે 2 લાખ ઘરોની મહિલાઓ ઘરબેઠા ટેક્ષટાઈલ જોબવર્ક દ્વારા મહિને 10 થી 20 હજાર જેવી આવક મેળવી રહી છે. આ બાયર-સેલર્સ એક્ઝિબિશન યોજવાનો ઉદ્દેશ વિવિંગક્ષેત્રના નાના નાના વિવર્સને પોતાની વિવિંગ અંગેની કુશળતા અને કૌશલ્ય એકસાથે સંખ્યાબંધ બાયર્સને પ્રદર્શિત કરવાની તક મળે તેવો છે. કુલ 128 સ્ટોલ સાથેનું આ એક્ઝિબિશન કાપડ ઉત્પાદક અને ખરીદનાર બંને માટે લાભકર્તા સાબિત થશે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિવિંગ એકમોથી અને કાપડની અવનવી વેરાયટીઓ થકી સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળ્યો છે. આ ઉદ્યોગને શાંતિમય ઔદ્યોગિક માહોલ અને હૂંફ મળતી રહે તો તેની મૌલિકતા પૂરબહારમાં ખીલી ઉઠશે. સરળ ઔદ્યોગિક નીતિઓ અને પ્રશાસનિક સહકારથી માત્ર ટેક્ષટાઈલ ઉદ્યોગ જ નહીં, પણ તમામ ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાયા છે.ગુજરાતીઓ લાંબો હાથ આપવા માટે કરે છે, લેવા માટે નહી. સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગારી ગુજરાત પુરી પાડી રહ્યું છે. કોરોનાકાળમાં ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક ટ્રેનો અન્ય રાજયોમાં ગઈ હતી. ડાયમંડ અને ટેક્ષટાઈલના સાહસિક ઉદ્યોગકારોએ પોતાની મૌલિકતાથી ઉદ્યોગનો વિકાસ કર્યો છે. તેઓને જ્યાં પણ જરૂર પડી છે ત્યાં સરકારે પુર્ણ સહયોગ આપ્યો છે. દેશ અને દુનિયાને જરૂરિયાત મુજબના કાપડનું ઉત્પાદન અને નવી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપીને હજારો રોજગારીના સર્જનમાં યોગદાન આપી રહ્યા છે.

આ પ્રસંગે અગ્રણી હરિ કથીરિયાએ આભારવિધિ કરી હતી.આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય અરવિંદ રાણા, વિવેક પટેલ, પ્રવિણ ઘોઘારી સહિત ઉદ્યોગ અગ્રણીઓ ધીરૂ શાહ, સંજય સરાવગી, સાહિલ મુલતાની સહિત ટેક્ષટાઈલ ઉદ્યોગકારો, વિવર્સ, વિવિંગ યુનિટ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત