સુરત : વીર નર્મદ દક્ષિણ.ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ યોજાઈ

શિક્ષણ જગત
Spread the love

સુરત, 26 ઓગષ્ટ : કેન્દ્રીય સ્કીલ ડેવલોપમેન્ટ, એન્ટરપ્રિન્યોરશીપ, ઈલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી વિભાગના રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ માં ઉપસ્થિત રહી ‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટિકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર યુવાવિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ 19 યુવા સ્ટાર્ટઅપ સાહસિકોને સર્ટિફિકેટ અને પુસ્તક આપીને સન્માનિત કરી તેમના આવિષ્કારો વિશે જાણકારી મેળવી હતી. મંત્રીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના મારફતે ‘ન્યુ & ડિજીટલ ઈન્ડિયા’માં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા બદલાવ અને આગામી સમયમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રહેલી ઉજ્જવળ તકો અંગે જાણકારી આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ યુવાનો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ભારત યુવાધનના કારણે વિશ્વમાં ફાસ્ટેસ્ટ અને હાઈએસ્ટ સ્ટાર્ટઅપ્સ શરૂ કરનાર દેશ બન્યો છે. પોતાની વિશિષ્ટ ક્ષમતાના કારણે વડાપ્રધાનશ્રીના ‘ન્યુ ઈન્ડીયા’ના સંકલ્પમાં વિદ્યાર્થીઓ મોટા પાયે સ્ટેક હોલ્ડર બન્યા છે. તેમણે આગામી 10 વર્ષને ‘ઇન્ડિયાસ્ ટેકેડ’ નામ આપ્યું છે, કારણ કે આ સમયગાળામાં જ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ શરૂ થવાના છે. દેશની આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે આપણે આગામી 25 વર્ષને નવા વિચાર, સંશોધન અને ટેકનોલોજીના માધ્યમે ભારત વર્ષને ‘અમૃત વર્ષ’ બનાવવાનું છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ડિજીટલ ઇન્ડિયાના સ્વપ્નના કારણે હાલમાં પારદર્શક રીતે 100 ટકા યોજનાકીય સહાયના નાણા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચે છે. ટેકનોલોજીના માધ્યમે ટેક્ષ અને GST કલેક્શન પારદર્શક બન્યું છે અને દેશની આવકમાં ધરખમ વધારો થયો છે. ડિજીટલ પેમેન્ટ, 5જી ના ક્ષેત્રમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર બની રહ્યું છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તેમજ મલ્ટીનેશનલ કંપનીઓના પ્લાન્ટ દ્વારા મોબાઈલ અને કાર મેન્યુફેક્ચરીંગ સહિતની ઘણી પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે.

મંત્રીએ સુરતના વિકાસ અને ઉજ્જવળ તકો અંગે જણાવતા કહ્યું કે, S એટલે સુરત અને S એટલે સ્ટાર્ટઅપ, D એટલે ડાયમંડ અને D એટલે ડિજિટલ, T એટલે ટેક્ષટાઈલ અને T એટલે ટેકનોલોજીમાં પણ સુરત અને સુરતી યુવાનો મોખરે છે, તેમજ પ્રધાનમંત્રીના ‘ઇન્ડિયાસ્ ટેકેડ’ ના લક્ષ્યને પ્રાપ્ત કરવા સક્ષમ છે, તેમજ ઉચ્ચ શિક્ષણ મારફતે જોબ & એન્ટરપ્રિન્યોરશીપમાં વધારો, ડિઝાઇન અને ટેકનોલોજીને એક્ષ્પોર્ટ કરવામાં આવી રહી છે. દેશમાં સેમીકન્ડકટરના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, સ્પેસ, ડ્રોન ટેકનોલોજી અને ડિજીટલ ગવર્નન્સ & ડિજીટલ ઈકોનોમી, ડિફેન્સમાં ઉડીને આંખે વળગે તેવો વિકાસ થયો છે તેમ સ્પષ્ટપણે જણાવી ‘સારે જહાં સે અચ્છા ડિજીટલ ઈન્ડિયા હમારા’ સુત્ર આપ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના ઉચ્ચત્તર શિક્ષણ વિભાગના કમિશનર નાગરાજને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ પોલિસી અંતર્ગત યુવા અને સાહસિકોને નવા વિચાર, પ્રમોશન અને ફન્ડિંગ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અને આ અંગે યુનિવર્સિટી સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. ભારત વર્ષ 2047 સુધીમાં અગાઉની જેમ ‘સોને કી ચીડિયા’ તરીકે વિશ્વમાં પોતાનું સ્થાન ફરી પ્રાપ્ત કરશે તેવી વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, ઈ.રજિસ્ટ્રાર રમેશદાન ગઢવી, જી.ટી.યુ.આઈ-હબના સી.ઈ.ઓ. હિરન્મય મહન્તા, અધ્યાપકો, યુવા સાહસિક અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *