
સુરત, 26 ઓગષ્ટ : કેન્દ્રીય સ્કીલ ડેવલોપમેન્ટ, એન્ટરપ્રિન્યોરશીપ, ઈલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી વિભાગના રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સુરત ખાતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, અઠવાલાઈન્સના સેમિનાર હૉલ ખાતે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના પ્રબુદ્ધજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે અહીં ઉપસ્થિત શહેરના સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ સાહસિકો સાથે સ્ટાર્ટ અપ ક્ષેત્રના પ્રશ્નોનું નિરાકરણ કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ક્ષેત્રે દુનિયાનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. ભારતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત જનસેવાઓને સશક્ત અને લોકભોગ્ય બનાવવા વિવિધ ડિજિટલ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહનના કારણે 100 થી વધુ યૂનિકોર્ન કંપનીઓ ઉભી થઈ છે.કોવિડના સમયમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરને નવી દિશા મળી હતી, જ્યાં ડિજિટલ ટેકનોલોજી આશીર્વાદ સમાન બની હતી. હાલ દેશના 15 શહેરોમાં ડિજિટલ એક્ટિવીટી પૂરજોશમાં શરૂ છે. જેને વધુ 25 શહેરોમાં વિકસાવવાના પ્રયાસો ગતિમાન છે. દરેક રાજ્યમાં ઇનોવેશન પ્રોજેક્ટ્સ માટે વિશેષ પ્રોત્સાહન અપાશે.

રાજ્યના ઉચ્ચત્તર શિક્ષણ વિભાગના કમિશનર નાગરાજને જણાવ્યું હતું કે 17થી 22 વર્ષની ઉમરમાં માનવ શરીર સૌથી વધુ ઉર્જાવાન હોય છે, ત્યારે ભારતને વર્ષ 2047માં ‘સ્ટાર્ટઅપ નેશન’ બનાવવા આજના યુવા વર્ગને શ્રેણીબદ્ધ નવીન વિચારો આપવા પડશે. યુવા વર્ગને ડિજિટલ વેક્સિન આપવાથી અનેક ફાયદાઓ થઈ શકે છે. હાલ શિક્ષણ, આઇટી અને ઉદ્યોગ ક્ષેત્ર સૌથી ઝડપભેર વિકસી રહ્યું છે, જ્યાં ભવિષ્યમાં નેશન બિલ્ડિંગમાં સ્ટાર્ટ અપનો મોટો રોલ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રાજેશ દેસાઈ, સાર્વજનિક યુનિવર્સિટીના કમલેશ યાજ્ઞિક, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાળા, પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી, વનિતા વિશ્રામ યુનિ.ના ડૉ. દક્ષેશ ઠાકર, એન.એસ.એસ. ના સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકો,ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત