
સુરત, 29 ઓગષ્ટ : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામમાં રહેતા હેમુ સંજય ગામીતના જીવનનું એક સોહામણું સપનું હતું ઘરનું ઘર. તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂ.1.20 લાખની સહાય સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી તરફથી પ્રાપ્ત થઈ, તેમજ મનરેગા યોજના હેઠળ 90 દિવસની રોજગારી મળી, જેમાં રૂ.17,620 અલગથી આવાસ બાંધવા માટે મંજુરી પેટે મળ્યા. આવાસીય સહાય મળતા તેઓ ખુશીથી જણાવે છે કે, કોઈ ધનવાન માટે આ સહાય નજીવી હોઈ શકે પણ અમારા જેવા સામાન્ય પરિવાર માટે આ સહાય લાખો રૂપિયા સમાન સાબિત થઈ છે.

જરીકામ સાથે સંકળાયેલા લાભાર્થી હેમુ ગામીત જણાવે છે કે, આવાસ માટેની સહાય મળતા ખુબ ખુશી છે. પહેલા મારૂં ઘર કાચુ હતુ. માટીથી ચણતર કરેલું અને દેશી નળીયાનું છાપરૂ હોવાથી ચોમાસામાં વધુ વરસાદ પડતા જ ઘરમાં અને આજુ-બાજુ પાણી પડતું હતું. અને રહેવા માટે ઘણી જ સમસ્યા થતી હતી. પરંતુ સરકારની સહાયથી પાકું મકાન બનતા સમસ્યા દુર થઇ છે.
ગામના સરપંચએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે અમને વાત કરી હતી. તરત જ ફોર્મ ભર્યું અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા અમારૂં પ્રધાનમંત્રી આવાસ મંજુર કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ હપ્તે રૂ. 30 હજાર એડવાન્સ પેટે મળ્યા. જેથી મકાનની કામગીરી શરૂ કરી. ત્યારબાદ અમારૂ મકાન લિન્ટલ લેવલ સુધી પહોંચતા બીજા હપ્તે પેટે રૂ. 50 હજાર મળ્યા. મકાનનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે ત્રીજા હપ્તે પેટે રૂ. 40 હજાર મળ્યા હતા. કોઇ પણ વ્યક્તિ માટે એક જ વાર પોતાના સ્વપ્નનું ઘર બનતું હોય છે. જેથી જરીકામ કરી બચાવેલી જમાપુંજીમાંથી થોડા રૂપિયા ઉમેરી મકાન વધુ સારૂ અને સુવિધાયુક્ત બનાવ્યું છે. અમે એકલા હાથે મકાન બનાવીશક્યા ન હોત, પણ ખરા સમયે સરકારનો સાથ સહકાર અને આર્થિક સહાય મળવાના કારણે અમારૂં પણ એક ઘર હોય એવું સપનુ પૂર્ણ થયું છે, જેની મને અને મારા પરિવારને અનહદ ખુશી છે.

પ્રધાનમંત્રી આવાસ તેમજ મનરેગા યોજના દ્વારા આવાસ બાંધકામ પૂર્ણ કર્યું છે. સુવિધાયુક્ત પાકું મકાન બનતા ગામમાં અમારો મોભો પણ વધ્યો છે. અને હવે રહેવા માટે અગાઉ જે સમસ્યાઓ નડતી હતી, તે દૂર થઈ છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ તેમજ મનરેગા યોજના મારા પરિવાર માટે આશીર્વાદરૂપ નિવડી હોવાનું તેઓ હરખભેર જણાવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત