36મી નેશનલ ગેમ્સ-2022ના ભાગરૂપે સુરતના આંગણે ત્રણ દિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત : રમત ગમત ક્ષેત્રે ગુજરાત તેના સકારાત્મક અભિગમ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમ્યાન પ્રતિષ્ઠિત “ 36મી નેશનલ ગેમ્સ 2022 ”ની યજમાની કરવા જઈ રહ્યું છે. ત્યારે સુરતને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ હેન્ડ બોલ તથા બીચ વોલીબોલ એમ ચાર રમતોની યજમાની મળી છે. જેમાં1100 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.

સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સના ભાગરૂપે તા.17,18 અને 19મી સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ માટે જી.ડી.ગોએન્કા પાસે કેનાલ વોકવે ખાતે સ્પોર્ટસ કાર્નીવલ યોજીને રમતગમતવીરો, વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. જેના આયોજનના ભાગરૂપે મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ.કમિશનરબંછાનિધિ પાની તથા જિલ્લા કલેકટર આયુષ ઓકની ઉપસ્થિતિમાં અડાજણ આર્ટ એન્ડ પરફોર્મીગ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી.

17મીના રોજ સવારે 7વાગે પરંપરાગત ગામઠી રમતો જેવી કે, ખો-ખો, કબડ્ડી, ગીલીદંડા, લખોટી, કોથળા દોડ જેવી રમતોમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો ભાગ લેશે. ટ્રાયબલ તથા ફોક ડાન્સ યોજાશે.18મીએ કેનાલ કોરીડોર ખાતે સાયકલીગ રેલી, સ્કેટીંગ રેલીઓ યોજાશે. 19મીએ શહેરના વિવિધ સ્પોર્ટસ એસોસિયેશનો પોતાના પ્લાટુનો સાથે પરેડ ગેમ્સને રેલી યોજશે. આ દિવસોમાં ફુડ ફેસ્ટીવલ તથા કલ્ચરલ પ્રોગ્રામો યોજાશે. આ જ સ્થળે ફુડ ફેસ્ટીવલ 17મી સપ્ટેમ્બરથી 5 ઓકટોમ્બર સુધી યોજાશે.
આ પ્રસંગે મેયરએ જણાવ્યું હતું કે, દરેકક્ષેત્રમાં સુરત અવ્વલ નંબરે રહ્યું છે. નેશનલ ગેમ્સની ચાર રમતોનું યજમાન પદ સુરતને મળ્યું છે ત્યારે બાળકો, રમતવીરો, સ્પોર્ટસને લગતા એસોસિયેશનો ભાગ લઈને સફળ બનાવવાની હિમાયત કરી હતી. ત્રણ દિવસીય સ્પોર્ટસ કાર્નિવલની ઉજવણીમાં સૌને સહભાગી બનવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ અવસરે મ્યુ.કમિશનરબંછાનિધિ પાનીએ જણાવ્યું કે, 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત ચાર રમતો સુરતમાં યોજાશે. સુરતના આંગણે ત્રણ દિવસીય સ્પોર્ટસ કાર્નિવલ અંતર્ગત સ્કુલમાં પ્રમોશન, સ્પોર્ટસ કાર્નિવલ સેલિબ્રેશન, વધુમાં વધુ બાળકોનું પાર્ટીસીપેશન થાય તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. જે રમતમાં જે બાળકોને રસ હોય તેમાં ભાગ લે તેમજ નેશનલ ગેમ્સને નિહાળવા અને માણવા માટેનો અનુરોધ તેમણે કર્યો હતો.
જિલ્લા કલેકટર આયુષ ઓકે સ્પોર્ટસ કાર્નિવલમાં વધુમાં વધુ સુરતીઓ ભાગ લેવાની બનાવવાની હિમાયત કરી હતી.આ અવસરે ડે.મેયર, સુડાના સી.ઈ.ઓ., ડીજીવીસીએલના એમ.ડી. તથા વિવિધ રમતગમતના એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *