સુરત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 3જી સપ્ટે.એ સરદાર સ્મૃતિ ભવન, માનગઢ ચોક, વરાછા ખાતે બપોરે 3 વાગ્યે યુનિટી ઇન્ડિયા- ધ પાવર ઓફ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમાર્થ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શક્તિ સત્કાર સમારોહ’, માતૃત્વ વંદના અને દિકરી દત્તક કાર્યક્રમ યોજાશે. જેમાં સમાજહિતમાં યોગદાન આપનાર સમાજસેવકોના 11 માતૃશક્તિઓનું સન્માન કરાશે, સાથોસાથ સમાજના ભામાશાઓ 75 દિકરીને દત્તક લેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્ય્યુલી જોડાશે, જ્યારે સંતવિભૂતિ અને પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ, ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી. સ્વામી, સમાજઅગ્રણીઓ, રાજકીય મહાનુભાવો કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ સંદર્ભે ટ્રસ્ટ દ્વારા ગોપીન ગામ,અબ્રામા રોડ, મોટા વરાછા ખાતે આયોજિત મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા યુનિટી ઇન્ડિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિતલ પરસાણીયાએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘શકિત સત્કાર સમારોહ’ અને માતૃત્વ વંદના, દિકરી દત્તક કાર્યક્રમમાં સમાજના રત્ન સમાન સમાજસેવક ભામાશાઓની જન્મદાતા ૧૧ માતાઓનું સન્માન સહ 75 દિકરીને દત્તક લેવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં 1000 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવાનો લક્ષ્યાંક છે.
શિતલબેને વધુમાં જણાવ્યું હતું કે, માતૃત્વ વંદના અંતર્ગત પદ્મશ્રી સવજીધોળકિયાના માતૃશ્રી ફૂલીબેન ધનજીભાઇ ધોળકિયા, લવજી ડાલીયા(બાદશાહ)ના માતૃશ્રી કંકુબેન ડુંગરભાઇ ડાલીયા, મનહર સાસપરાના માતૃશ્રી પુતળીબેન, મનહરકાકડિયાના માતૃશ્રી વસંતબેન મુળજીભાઇ કાકડિયા, પ્રભુ ધોળકિયાના માતૃશ્રી વાલીબેન પરબતભાઇ ધોળકિયા, જયંતિ બાબરિયાના માતૃશ્રી લીલાબેન વિરજીભાઇ બાબરિયા, રાકેશ હિંમતભાઇ દુઘાતના માતૃશ્રી મુક્તાબેન હિંમતભાઇ દુધાત, ઘનશ્યામભાઇ ભંડેરીના માતૃશ્રી ગીતાબેન મગનભાઇ ભંડેરી, ડો.ઉદય ગજીવાલાના માતૃશ્રી પ્રભુતાબેન રણછોડદાસ, ભરત માંગુકીયાના માતૃશ્રી સમજુબેન પ્રેમજીભાઇ માંગુકિયા અને ચુનીલાલ ભૌવરેના માતૃશ્રી યશોદાબેન સોનુભાઇ ભૌવરેનું સન્માન કરવામાં આવશે.
શીતલબેન તેમજ પરમાર્થ ટ્રસ્ટના પ્રમુખ ભરત માંગુકીયાએ મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું કે, બંને સંસ્થાઓ સામાજિક સેવામાં સતત કાર્યરત રહી છે. કોરોનાના વિકટ સમયમાં સંસ્થાએ જરૂરિયાતમંદ લોકોને આર્થિક, સામાજિક ક્ષેત્રે સેવા પૂરી પાડીને હુંફ આપી હતી. શહીદ જવાનો અને સૈનિક કલ્યાણ, ગૌસેવા સુધી સેવાકીય પ્રવૃત્તિઓને વિસ્તારી છે. યુનિટી સખીમંડળ અંતર્ગત વિધવા બહેનોને સહયોગ, યુનિટી બાળ સંગઠન અંતર્ગત મૂલ્યવર્ધન ભારતીય નાગરિકત્વનું નિર્માણ, યુનિટી સેવા સમાજ અંતર્ગત સંસ્થાની શૈક્ષણિક અને સ્વાસ્થ્યલક્ષી પ્રવૃતિઓ, વ્યંઢળોના પુનર્વસન માટે શૈક્ષણિક પ્રવૃતિઓ, યુનિટી સહયોગી કેન્દ્ર અંતર્ગત સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન, યુનિટી સમાજ પરિવર્તન કેન્દ્ર અંતર્ગત વિવિધ સામાજિક સમસ્યાઓ પર નિષ્ણાંત લોકો દ્વારા પરામર્શ કેન્દ્ર, યુનિટી અન્નદાન સંસ્થા જરૂરિયાતમંદ પરિવારોને અન્ન અને યુનિટી વસ્ત્રદાન સંસ્થા દ્વારા વસ્ત્રદાન આપીને સહાયરૂપ થાય છે.
આ વેળાએ યુનિટી ટ્રસ્ટના ઉપપ્રમુખ શૈલેષ બજાણીયા, મંત્રી જયરીબડિયા તથા પરમાર્થ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીતુભાઇ અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત