
સુરત, 3 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘માર્કેટ આઉટલુક’વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના ઘણા સભ્યો રિસ્ક લઇને સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હોય છે. મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે સ્ટોક માર્કેટ વિષેની જરૂરી માહિતીના અભાવે અથવા અનુભવ વગર તેઓ રોકાણ કરીને મોટું જોખમ ખેડી લેતા હોય છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતાના સભ્યોના અવેરનેસ હેતુ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિષ્ણાત વકતા તરીકે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટના હેડ ઓફ ઇકવીટિ અજય ત્યાગી દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અજય ત્યાગીએ જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ માનસિકતાથી રૂપિયા કમાવી શકાય નહીં. આગામી છ મહિનામાં અથવા તો વર્ષ દરમ્યાન માર્કેટ કયાં જવાનું છે તેના વિષે કોઇ અંદાજ લગાવી શકે નહીં. આથી જે કંપનીમાં રોકાણ કરવાનું હોય છે તે કંપની આગામી પાંચ વર્ષમાં કયાં જવાની છે તેના વિષે જાણકારી મેળવી લેવી જોઇએ. એવી દસ કંપનીઓ કઇ છે કે જેમાં રોકાણ કરી શકાય છે તેના સંદર્ભે રિસર્ચ કરવું જોઇએ. દેશમાં કયા કયા સેકટરમાં પ્રગતિ થઇ છે અને આ સેકટરોમાં કઇ કઇ કંપનીઓ આવે છે તેના વિષે સંશોધન કરવાની સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય એટલે માર્કેટ નીચે આવે એ ધારણા પણ ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સ્ટોક માર્કેટ હાય ઇકયુ લોકો માટે છે પણ હાય આઇકયુ લોકો માટે નથી. માર્કેટ ઉપર નીચે થવાનું છે પણ એમાં રોકાણકારોએ ઇમોશનલ થવાનું નથી. માર્કેટથી પ્રભાવિત થવાનું નથી પણ તેનો લાભ લેવાનો છે. માર્કેટમાં નાની – મોટી નેગેટીવ ઘટનાઓ થવાની જ છે, પરંતુ પોઝીટીવ વિચાર સાથે આગળ વધવાનું છે.
કેપિટલ રિટર્ન ઓન ઇકવીટિ જે કંપનીઓની વધારે છે તે આગળ પણ વધારે રહેવાની છે. આથી સ્ટોક પ્રાઇઝથી પ્રભાવિત થવાનું નથી પણ કંપનીના બિઝનેસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. એના માટે લાંબા સમય માટે રોકાણ કરવાની તથા કંપનીમાં ટકી રહેવાની સલાહ આપી તેમણે રોકાણકારોને વિવિધ દાખલા આપીને પ્રેકટીકલ અને લોજિકલ નોલેજ આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર કેતન દલાલે વકતા અજય ત્યાગીનો પરિચય આપ્યો હતો. કમિટીના ચેરમેન અયુબ યાકૂબઅલીએ કાર્યક્રમની રૂપરેખા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સ્ટોક માર્કેટના નિષ્ણાત અજય ત્યાગીએ રોકાણકારોના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. અંતે ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત