
સુરત, 4 સપ્ટેમ્બર : તાપી જિલ્લાની વ્યારા સુગર મીલને પુનઃ કાર્યરત કરવા કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડુતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય અને લોકહિતને ધ્યાને લઈ મીલને ઝડપથી પુનઃ કાર્યરત કરવા માટે બેઠક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં શેરડીનોનુ વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે લોકોનું હિત જળવાઈ અને ખેડૂતોને વધુ ભાવો મળી રહે તે માટે વ્યારા સુગર ફેકટરી ફરી શરૂ કરવા માટે સુગર મીલના ડિરેક્ટરો તથા ડિસ્ટ્રિક્ટ બેકના ડિરેકટરો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. સુગર મીલ શરૂ થવાથી તાપીના નાના અને સિમાંત ખેડૂતોની આવકમાં વધારો થશે અને ધંધા, રોજગારમાં વૃધ્ધિ થવાની સાથે દુધ ઉત્પાદનમાં પણ વધારો થશે. સાથે જ બેઠકમાં કૃષિ રાજ્યમંત્રીએ વિવિધ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તમામ હોદ્દેદારોને સાથે મળીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બેઠકમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કના ચેરમેન નરેશ પટેલ, સુમુલ ડેરી અને મહુવા સુગર ફેકટરીના ચેરમેન માનસિંગ પટેલ, સુરત ડિસ્ટ્રીક બેન્કના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ, તાપી પ્રભારી અશોક ધોરાજીયા, વ્યારા તાલુકા પં. સદસ્ય ઈશ્વર ગામીત, સામાજીક અગ્રણી અશોક ગામીત, પ્રકાશ ગામીત, વિક્રમ તરસડીયા, જૈરામ ગામીત, પંકજ ચૌધરી, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, મઢી સુગર ફેક્ટરી ચેરમેન સમીરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત