ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં બદલાયેલા ટ્રેન્ડ ’ વિષે સેશન યોજાયું

સ્થાનિક
Spread the love

સુરત, 4 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા પાર્લે પોઇન્ટ સ્થિત ડી. ખુશાલદાસ જ્વેલર્સ ખાતે ‘જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં બદલાયેલા ટ્રેન્ડ’વિષય પર સેશન યોજાયું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ડી. ખુશાલદાસ જ્વેલર્સના ઓનર દીપક ચોકસીએ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં બદલાયેલા ટ્રેન્ડ વિષે મહિલા સાહસિકોને વિસ્તૃત જાણકારી આપી હતી. આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ફેસ્ટીવલ ઓફર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મહિલા સાહસિકોએ પોતપોતાની બિઝનેસ પ્રોડકટ અને સર્વિસનું પ્રેઝન્ટેશન કરી વિવિધ પ્રોડકટ અંગે ડિસ્કાઉન્ટ ઓફર કરી હતી.
દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સામાન્યપણે દસ વર્ષમાં ટ્રેન્ડ બદલાતો હોય છે. વર્ષો પહેલા નકકર પીળી ગોલ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ હતો. ભારતીય સંસ્કૃતિની આ દેન હતી અને તે સમયે હીરા ઝવેરાત સાથેની ગોલ્ડ જ્વેલરી પહેરવામાં આવતી હતી. સમયની સાથે આ ટ્રેન્ડમાં બદલાવ થતો ગયો અને પછી એન્ટીક જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ આવ્યો હતો. હવે વર્તમાનમાં વ્હાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને પ્લેટીનમ જ્વેલરીનો ટ્રેન્ડ વધ્યો છે.ખાસ કરીને યુવા પેઢીમાં લેબગ્રોન ડાયમંડવાળી જ્વેલરી પહેરવાનો ક્રેઝ વધ્યો છે. હવે જે રીતે સોનાના ભાવ વધી રહયા છે તેને જોતા ભવિષ્યમાં લાઇટવેટ જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ આવશે. તેની સાથે સાથે સિલ્વર જ્વેલરી મેન્યુફેકચરીંગ વધશે. રિયલ ડાયમંડ તો સુરતમાં પોલીશ્ડ થઇને વિશ્વભરમાં એકસપોર્ટ થાય છે પણ હવે જ્વેલરી મેન્યુફેકચરીંગનું પ્રમાણ સુરતમાં ઘણું વધ્યું છે. વિશ્વમાં અત્યારે દુબઇ જ્વેલરી હબ તરીકે ઓળખાય છે પણ ભવિષ્યમાં સુરત જ્વેલરી હબ બનવા તરફ આગળ વધી રહયું છે. તેમણે મહિલા સાહસિકોને ડી. ખુશાલદાસ જ્વેલર્સની વિવિધ સ્કીમો વિષે પણ માહિતી આપી હતી.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ આ સેશનમાં મહિલા સાહસિકોને એકબીજાના સહયોગથી બિઝનેસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ સેશનમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ વકતા દીપક ચોકસીનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. WEC ના મેમ્બર નિમિષા પારેખે મહિલા સાહસિકોના બિઝનેસ પ્રેઝન્ટેશનનું નેતૃત્વ સંભાળ્યું હતું. અંતે WEC ના સભ્ય રોશની ટેલરે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *