
સુરત, 6 સપ્ટેમ્બર : પોતાના કાચા મકાનને પાકાં મજબુત ઘરમાં ફેરવવું એ બારડોલી તાલુકાના સુરાલી ગામના રહેવાસી ચંદુ ચૌધરીનું સ્વપ્ન હતું. જેને સાકાર કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાએ. આ યોજના હેઠળ ચંદુભાઈનું પાકું મકાન બનતા પરિવાર ખુશીથી ગદ્દગદિત છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી-સુરત દ્વારા મકાન બાંધકામ માટે રૂ.1.20 લાખની સહાય મળતા તેમણે વર્ષોથી જોયેલું સ્વપ્ન હવે હકીકત બન્યું છે.

લાભાર્થી ચંદુભાઈ જણાવે છે કે, મારી નબળી આર્થિક પરિસ્થિતિના કારણે હું પાકું મકાન બનાવી શક્યો ન હતો. મારૂં ઘર માટીથી ચણતર કરેલું અને છાપરૂ દેશી નળીયાનું હોવાથી ચોમાસામાં થોડો વરસાદ પડતા જ ઘરની અંદર અને આજુ-બાજુ પાણી ભરાઈ જવાથી અનેક સમસ્યાઓ થતી હતી. હવે પીએમ આવાસ યોજના થકી ઘર બનતા સમસ્યાનું કાયમી નિરાકરણ થયું છે.ગામના સરપંચ અને તલાટીએ અમને આવાસ યોજના અંગે વિગતો આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આવાસ મંજૂરી બાદ પ્રથમ હપ્તામાં રૂ.30,000 એડવાન્સ પેટે આપ્યા હતા. જેથી મકાન નિર્માણ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ મકાન લિન્ટલ લેવલ સુધી આવતા બીજા હપ્તે પેટે રૂ.50,000 મળ્યા હતા. બાંધકામ પૂર્ણ થતા રૂ.40,000 મળ્યા હતા એમ કુલ મળી રૂ. 1.20 લાખની સહાય મળી હતી અને હવે આનંદથી પરિવાર સાથે દિવસો વિતાવીએ છીએ એમ ચંદુભાઈએ ઉમેર્યું હતું.
આમ, ચંદુભાઈ જેવા લાખો લાભાર્થીઓ માટે સરકારની આવાસીય સહાયથી જીવનમાં સુખશાંતિ સુનિશ્ચિત થઈ રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત