સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી

સ્થાનિક
Spread the love

સુરત : સતત વિકાસની હરણફાળ ભરી રહેલા સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ લોકોને ઝડપી ન્યાય મળી રહે તે માટે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવીન પાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. મંત્રીના હસ્તે ટ્રાફિક એપ્લિકેશનનું પણ લોન્ચિંગ તેમજ ‘ગુડ મોર્નિંગ સુરત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અડાજણ પોલીસ સ્ટેશનમાં ચાર લાખની વસ્તી હતી. જેમાંથી પાલ પો.સ્ટેશન અલગ થવાથી 1.75 લાખ જેટલી પાલ વિસ્તારની જનતાને નવા પોલીસ સ્ટેશનનો લાભ મળશે. આ પાલ પો.સ્ટેશનમાં ઉમરા બ્રિજથી પાલગામ વોકવેથી પાલનપુર નહેરથી સાંતવન સર્કલ, ગૌરવપથ રોડથી ભેસાણ સુએજ પ્લાન સુધીના પશ્ચિમ તરફના હજીરા સાયણ હાઈવે તથા દક્ષિણ તરફ ભાઠા ગામ ખાડી અને ભાઠા ગામનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું પોલીસ સ્ટેશન બનવાથી પાલ વિસ્તારના લોકોને ત્વરિત અને સરળ-સુગમ પોલીસ સેવાઓ અને ન્યાય મળશે. શહેરમાં પાંચ હજાર પોલીસ જવાનોએ એક લાખ ગણેશજીની પ્રતિમાઓનું કોઈ વાદ કે વિવાદ વિના, ટ્રાફિકની સુદ્રઢ વ્યવસ્થા કરીને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન શક્ય બનાવવા બદલ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
મંત્રીએ પોલીસ વિભાગની ડિજીટલ કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું કહ્યું હતું કે, ઓનલાઈન FIRની શરૂઆત થયા બાદ લોકોના સમયની બચત સાથે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાથી છુટકારો મળ્યો છે. સાથે વહેલી તકે પોલીસને ફરિયાદ કરવી શક્ય બની છે. સામાન્ય નાગરિકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તે માટે શાળા અને કોલેજોમાં સેમિનારો દ્વારા જાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર થાય અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુભગ સમન્વય સધાય તે માટે ‘ગુડ મોર્નિંગ સુરત’ જેવી અનેક પહેલોને મંત્રીએ બિરદાવી હતી.

મંત્રીએ આગામી સમયમાં શહેરની જરૂરિયાત અનુસાર નવા પોલીસ સ્ટેશનો પણ મંજૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ લોન્ચ કરેલી આવેલી ટ્રાફિક એપ્લિકેશનની વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ એપ્લિકેશનની મદદથી શહેરના જાગૃત નાગરિકો પોલીસને ટ્રાફિકની વિગતો મોકલી શકશે. જેમ કે, કોઈ વિસ્તારમાં ટ્રાફિક હોય અને કોઈ વ્યક્તિ તેની જાણકારી એપ્લીકેશનના માધ્યમથી મોકલશે તો તેની સમસ્યાના નિવારણ માટે પગલાઓ લેવામાં આવશે. આ એપમાં લોકો પોતાના ટ્રાફિકને લગતા સુચનો પણ મોકલી શકશે. જેના પર તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે સુરત શહેર પોલીસ અન્ય રાજ્યોની તુલનામાં વધુ સક્રિયતાથી કાર્ય કરી રહી છે એમ જણાવી નવા પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન બદલ પોલીસ વિભાગને શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરનો ખૂબ જ ઝડપી વિકાસ અને જનસંખ્યાના વધારાની સાથે પોલીસની સેવા સૌ નાગરિકોને સુલભ બને તે માટે નવા પોલીસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટુંકા સમયગાળામાં નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજુર કરવામાં આવ્યા છે. સુરત પોલીસ સાયબર ક્રાઈમ અને મોર્નિંગ વોક જેવા ઘણા બધા નવા કોન્સેપ્ટ શરૂ કરી નાગરિકો સાથે આવી તેમના પોલીસ અંગેના ડર દૂર કરવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ ગયા વર્ષે ગુનાઓને કાબુમાં રાખવામાં પ્રથમ ક્રમે આવી હોવાની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, મેયર હેમાલીબોઘાવાલા, ધારાસભ્ય ઝંખના પટેલ, જોઈન્ટ પો.કમિશનર શરદ સિંઘલ તથા પ્રવિણ મલ, નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા, પોલીસ અધિકારીઓ, મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *