
સુરત, 10 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા તથા ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલાના નેજા હેઠળ ચેમ્બર ઓફ કોમર્સના 42 જેટલા સભ્યોના ડેલીગેશને વડોદરા નજીક કરજણ પાસે આવેલી એનર્જી ક્ષેત્રે અગ્રેસર TBEA એનર્જી પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનો ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ પાછળનો મુખ્ય હેતુ બિઝનેસ ડેવલપમેન્ટનો છે. ચેમ્બરના સભ્યો તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો વિવિધ ક્ષેત્રે બિઝનેસ ડેવલપ કરી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચેમ્બરના પ્રતિનિધી મંડળે વિશ્વમાં એનજી ક્ષેત્રે અગ્રેસર TBEA એનર્જી પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરવામાં આવી હતી. આ કંપનીમાં ચાઇનીઝ અને યુરોપિયન ટેકનોલોજીની મશીનરીની મદદથી ટ્રાન્સફોર્મર બને છે.મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટથી આ કંપની ટ્રાન્સફોર્મરના બધા જ સ્પેરપાર્ટ્સ બનાવે છે અને ટ્રાન્સફોર્મર યુનિટ ભારતમાં સરકારી પ્રોજેકટ માટે આપે છે. કંપની દ્વારા મોટી ટ્રકોમાં વિશાળ ટ્રાન્સફોર્મર યુનિટ દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત ભારતથી થાઇલેન્ડ, વિયેતનામ, અમેરિકા અને આફ્રિકન કન્ટ્રીઝમાં ટ્રાન્સફોર્મર યુનિટ એકસપોર્ટ પણ કરે છે. આ કંપનીમાં આશરે 1200 જેટલા કર્મચારીઓને સીધી રોજગારી મળે છે. ચેમ્બરના પ્રતિનિધી મંડળે કંપનીની વિઝીટ દરમ્યાન પ્રેઝન્ટેશન તેમજ રૂબરૂ મુલાકાતથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિદેશી રોકાણ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાઇનાની TBEA કંપનીએ ભારતમાં 100 ટકા રોકાણ કરેલું છે. આ કંપની, ચીનના મુખ્ય ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ મેન્યુફેકચરિંગ ઉદ્યોગનું મુખ્ય એન્ટરપ્રાઇઝ છે અને ચીનનું પ્રથમ લિસ્ટેડ ટ્રાન્સફોર્મર એન્ટરપ્રાઇઝ છે. ચાર ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે ટ્રાન્સમિશન, ટ્રાન્સફોર્મેશન, નવી ઉર્જા અને અદ્યતન સામગ્રીમાં પ્રોજેકટ હાથ ધરે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત