
સુરત, 11 સપ્ટેમ્બર : આગામી તા.27 સપ્ટે.થી 10 ઓક્ટો. દરમિયાન ગુજરાતમાં યોજાનાર ‘નેશનલ ગેમ્સ’ અંતર્ગત સુરતના આંગણે બીચ વોલિબોલ, બીચ હેન્ડબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન એમ ચાર રમતો રમાશે, જેના ભાગરૂપે અલગ અલગ રાજ્યોથી એથ્લેટ્સની સાથે મુલાકાતીઓ સુરતના મહેમાન બનવાના છે, ત્યારે સુરતની શાળા-કોલેજના યુવા રમતવીરો ઉત્સાહભેર નેશનલ ગેમ્સમાં ભાગ લે તે માટે સુરત મહાનગરપાલિકા અને ‘યુ ટર્ન’ ટીમ દ્વારા રમતગમત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અણુવ્રત દ્વાર, વેસુથી કેનાલ પાથ વે પર DBIM સુધી ‘યુ ટર્ન’ ઈવેન્ટ યોજાઈ હતી. આ જ સ્થળ પર આગામી તા.18થી 20 સપ્ટેમ્બર સુધી ત્રિદિવસિય સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે.

લોકોમાં નેશનલ ગેમ્સને લઈને જાગૃતતા આવે તેમજ યુવાનોમાં છુપાયેલી વિવિધ કળા-કૌશલ્યને ઉજાગર કરવાના આશયથી આયોજિત યુ ટર્ન ઈવેન્ટમાં ગૃહરાજ્યમંત્રીએ સાયકલિંગ, ભમરડાની રમત, સાત ઠીકરી જેવી રમતો રમીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને નેશનલ ગેમ્સમાં વધુમાં વધુ રમતવીરો ભાગ લે તેવો અનુરોધ કર્યો હતો. ઈવેન્ટમાં બાળકો-યુવાનો સહિત શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાધને રોડ ઉપર ચોકથી દોરેલી વિવિધ ગેમ્સની કલરફૂલ રંગોળી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પ્રસંગે સ્કેટિંગ, સાઈકલિંગ, બેસિક લાઈફ સપોર્ટ વર્કશોપ, સ્ટ્રીટ આર્ટ્સ, લાઈવ સ્કેચિંગ તેમજ નેશનલ ગેમ્સની વિવિધ રમતોની રંગોળી, સાત ઠીકરી, લંગડી, કોથળા કૂદ, ભમરડા, દોરડા કૂદ, લાઈવ મ્યુઝિક બેન્ડ, ડાર્ટ ગેમ્સ, દોરડા ખેંચ, પાસિંગ ધ બોલ, ટીમ વર્કની રમત ‘સાથી હાથ બઢાના’, હુલા હુપ, હોકી, એરોબિક્સ, ઝુમ્બા જેવી વિવિધ ગેમ્સમાં સુરતી યંગસ્ટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ. કમિશનર બંછાનિધી પાની, DCP સાગર બાગમાર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ યુ ટર્નના પ્રણેતા જગદિશ ઈટાલિયા અને રાહુલગાયવાલા, યુ ટર્નના કેપ્ટન સતિષ ગુપ્તા, યુ-ટર્ન ટીમના વિજય રાદડિયા સહિત વોલિન્ટીયર્સ, યુવાનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત