
સુરત, 11 સપ્ટેમ્બર : સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે કેમિકલ લીક થતા ભયાનક આગ લાગી હતી.આ ભયાનક આગની જ્વાળાઓ 10 કોલોમીટર દૂર સુધી દેખાતી હતી.આગ લાગી તે સમયે કામદારો કામ કરી રહ્યા હતા.ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.જોકે, આ આગની દુર્ઘટના દરમિયાન ઘટના સ્થળે જ 1 કામદારનું કરૂણ મોત નીપજ્યું હતું.આગમાં ઈજાગ્રસ્ત બનેલા અન્ય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં મળેલી જાણકારી મુજબ આ કામદારો પૈકી ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ 3 કામદારોએ પણ પ્રાણ ગુમાવ્યા છે. આથી, આ દુર્ઘટનામાં મૃતકોનો આંક હવે 4 પર પહોંચ્યો છે.જયારે , 20 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે.

સુત્રોથી મળેલી જાણકારી મુજબ અનુપમ કેમિકલ કંપનીના યુનિટ-6 ખાતે એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ લાગી હતી.ફેક્ટરીમાં કેમિકલનાં ડ્રમ ભરેલાં હોવાથી આ આગે ગણતરીની પળોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શહેરના ફાયર બ્રિગેડે આ ઘટનામાં ફસાયેલા 10 જેટલી વ્યક્તિઓને બચાવી લીધા હતા. આ દુર્ઘટનામાં અંકુર સુરેશ ભાઈ પટેલ,પ્રભાત ધર્મેન્દ્ર ઝા, રાકેશ ચૌધરી, સંજય ગોવિંદ સિયોરાએ પ્રાણ ગુમાવ્યા છે.હજુ પણ મૃકના આંક વધી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત