
સુરત, 11 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આસામના ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) ‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’સાથે સોમવાર, તા. 12 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5 કલાકે પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે Aether Industries Ltd. ના મેનેજીંગ ડિરેક્ટર અને ફાઉન્ડીંગ પ્રમોટર અશ્વિન દેસાઈ તથા અતિથિ વિશેષ તરીકે સુરતના ડેપ્યુટી કન્સર્વેટર પુનીત નય્યર અને સુરતના જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડો. જીજ્ઞાસા ઓઝા ઉપસ્થિત રહેશે
ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)ની સાથે ઇન્ટરેકટીવ સેશનના બે કલાક પહેલા બપોરે 3થી સાંજે 5 કલાક દરમ્યાન સરસાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરની 25 જેટલી સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાશે અને વૃક્ષારોપણ કરશે.વિદ્યાર્થીઓ, ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) પાસેથી વિવિધ પ્રકારના રોપાઓને વાવવા માટે તથા સમયસર તેની દેખરેખ માટેના ટિપ્સ પણ મેળવશે.
સામાન્યપણે કહેવાય છે કે ટીમ વર્ક સિવાય કશું શકય નથી, પરંતુ ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)એ આ બાબતને ખોટી પૂરવાર કરી દીધી છે. પોઝીટીવ એટીટયુડ સાથે સતત હાર્ડવર્ક કરી અને ધીરજ રાખીને એકલા હાથે તેમણે 30 વર્ષ સુધી રોપા વાવ્યા હતા, જે હવે વિશાળ જંગલમાં ફેરવાઇ ગયા છે. વહેલી સવારે 3 કલાકે જાગીને તેઓ કાર્યની શરૂઆત કરે છે અને દરરોજ ગામથી ત્રણ કિલોમીટર સુધીનું અંતર કાપીને રોપા વાવે છે. પક્ષીઓ, વન્ય પ્રાણીઓ તથા મનુષ્યો આરોગી શકે તે માટે તેમણે કેરી અને જામુન વિગેરે ફળોના રોપા વાવ્યા હતા. ફળો ખાઇને ફેંકી દેવાયેલા બીજમાંથી પણ વૃક્ષ ઉગી ગયા છે.
પદ્મ શ્રીથી સન્માનિત આસામના 65 વર્ષીય ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)ને વર્ષ 2010માં વિશ્વ પૃથ્વી દિવસ પર નવી દિલ્હીમાં ભારત સરકાર દ્વારા 550 હેકટર (1300 એકરથી વધુ)ની ઉજ્જડ જમીનને લીલાછમ જંગલમાં ફેરવવા બદલ ‘ધ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’નું બિરૂદ આપવામાં આવ્યું હતું. તેમને જમીનને જંગલમાં ફેરવવામાં લગભગ 30 વર્ષ લાગ્યાં અને તેઓ આજે પણ તેની સુરક્ષા કરે છે. તેમણે 1979માં વાવેતર શરૂ કર્યું હતું અને આજે પણ તે ચાલુ છે. વન્યજીવ નિષ્ણાતોના મતે આ વન હવે વિશ્વના સ્થળાંતર કરનારા 80 ટકા પક્ષીઓને આકર્ષે છે. હવે આ વનને સત્તાવાર રીતે મોલાઈ વન કહેવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત