
સુરત, 11 સપ્ટેમ્બર : જનતાના 20 વર્ષના વિશ્વાસના પરિણામે રાજ્ય સરકારના 20 વર્ષના વિકાસની વાત જનજન સુધી પહોંચે એ આશયથી સુરત જિલ્લામાં તા.12 અને તા.13સપ્ટેમ્બરે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ યોજાશે. જે અંતર્ગત 12મીએ સવારે 10 વાગ્યે કામરેજ ખાતે જિલ્લા કક્ષા અને બારડોલી,માંડવી અને ઓલપાડ તાલુકા ખાતે પ્રાંત કક્ષા અને 13મીએ સવારે 10 વાગ્યે સુરત શહેરમાં શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાશે. યાત્રા દરમિયાન માતબર રકમના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત થશે. કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજિક અને આર્થિક વિકાસના પાસાઓ ઉજાગર કરવા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાકીય ફલશ્રૃતિ આમ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.
તા.12મી સપ્ટે.ના રોજ કામરેજ ખાતે દલપત રામા ભવન, રામકબીર કોલેજ, નવાગામ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સમારોહમાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પુર્ણેશ મોદી ઉપસ્થિત રહેશે. ઉપરાંત પ્રાંત કક્ષાએ બારડોલી ખાતે સરદાર પટેલ ટાઉનહોલમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર અને મોહન ઢોડિયા ઉપસ્થિત રહેશે. જ્યારે ઓલપાડ ખાતે ખૂંટાઈ માતા મંદિર હોલમાં હાથીસા રોડ ખાતે આયોજિત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને ધારાસભ્ય ઝંખના પટેલ તેમજ માંડવી ખાતે કૃષિમંગલ હોલ, રાઈસમિલની પાછળ આયોજિત ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહેશે.

તા.13મીએ સુરત શહેરમાં શહેર કક્ષાનો કાર્યક્રમ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે, જેમાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પુર્ણેશ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર હેમાલી બોઘાવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત