ઓલપાડ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’માં રૂ.10.07 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 12 સપ્ટેમ્બર : જનતાના 20 વર્ષના વિશ્વાસના પરિણામે રાજ્ય સરકાર દ્વારા 20 વર્ષના વિકાસની વાત ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના માધ્યમથી પહોંચે એ માટે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ પ્રાંત કક્ષાના ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ.10.07 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય ઝંખના પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઓલપાડ ખાતે સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના 21 લાખના 7 કામો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 1.19 કરોડના 23 કામો એમ કુલ 1.40 કરોડના 30 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તના 8.67કરોડના કુલ 57 કામો પૈકી ગ્રામવિકાસ વિભાગના 17 કામો, સામાન્ય વહીવટ વિભાગના 7 કામો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 18 કામો, માર્ગ અને મકાન વિભાગના 15 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશપટેલે જણાવ્યું કે, કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજિક અને આર્થિક વિકાસના પાસાઓ ઉજાગર કરવા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાકીય ફલશ્રૃતિ આમ નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસમાં કરવામાં આવી રહ્યા છે.20 વર્ષ પહેલા વીજળીની વિકટ સમસ્યા હતી, જ્યારે આજે ગામડાઓ અને શહેરોમાં 24 કલાક વીજળી મળી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, જનધન યોજના જેવી સેંકડો યોજનાઓથી લોકોના જીવન બદલાયા છે. નલ સે જલ યોજના થકી રાજય સરકારે છેવાડાના ગામડાઓ સુધી ઘરે ઘર પાણી પહોંચાડ્યુ છે.

આ પ્રસંગે ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું કે, જનપ્રતિનિધિ તરીકે લોકોના સર્વાંગી વિકાસને અમે પ્રાથમિકતા આપી છે. ઓલપાડ તાલુકાના મહત્તમ રસ્તાઓ પાક્કા બન્યા છે. સિંગલ લેન રસ્તાઓને પણ પહોળા બનાવી દેવામાં આવ્યા છે. ચોર્યાસી તાલુકામાં તમામ કાચા રસ્તાઓ પાકા બને એવો લક્ષ્યાંક છે. ઓલપાડ તાલુકાના ગામડાઓમાં સ્ટ્રીટ લાઈટ, સીસીરોડ, પાણીની લાઈન, રસ્તાઓ, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓ માટેનું નક્કર આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ ઋષિ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *