
સુરત, 14 સપ્ટેમ્બર : 36મી નેશનલ ગેમ્સનો આગામી 29મી સપ્ટેમ્બરના રોજ શુભારંભ થનાર છે ત્યારે યુવાનો અને ખેલાડીઓને જાગૃત કરવા અને રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુસર ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીર નર્મદ યુનિવર્સીટી ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અને ‘CELEBRATING UNITY THROUGH SPORTS’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના રમતવીરોને રમત ગમત ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ટ્રોફી અને ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ’36મી નેશનલ ગેમ્સ’ના એનથમ ગીતના પ્રદર્શન સહ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો અને નેશનલ ગેમના પ્રતીક એવા મેસ્કોટ – સાવજને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાથે જ ટેકવોન્ડો બ્રોન્ઝ મેડલીસ્ટ ટ્વિશાએ સૌને ફીટ ઇન્ડિયાના શપથ લેવડાવ્યા હતા. સાથે જ અહી નેશનલ ગેમ્સની પળેપળની માહિતીથી માહિતગાર કરવા માટે વેબસાઇટ http://smc.city/NationalGames નું પણ લોન્ચ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગૃહરાજયમંત્રીએ દેશના અલગ અલગ રાજ્યમાંથી આવતા 7500 ખેલાડીઓની યજમાની કરતા ગુજરાતની વ્યવસ્થા અને જુસ્સાને બિરદાવતા’ માત્ર ત્રણ મહિનામાં કરેલી નેશનલ ગેમ્સની ઐતિહાસિક તૈયારી વિશે માહિતી આપી. સુરત મહાનગર પાલિકાની અદભૂત કામગીરીને બિરદાવીને શહેરીજનોની સાથે શાળાના સંચાલકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રમતવીરોનું સ્વાગત કરવાનો અનુરોધ કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, લોકોને કલાના માધ્યમથી જોડવાના હેતુથી નેશનલ ગેમ્સ અંતર્ગત તમામ મહાનગરપાલિકામાં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન પણ કરાયું છે.

આ પ્રસંગે મંત્રીએ વેબસાઇટ દ્વારા રજી્ટ્રેશન થકી તમામ શહેરીજનોને નેશનલ ગેમ્સ સાથે જોડવા અને રમતવીરોને વધામણા કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. નેશનલ ગેમ્સ દરમિયાનના માહોલ વિશે કરતા તેમણે કહ્યું કે,આ વર્ષે ગરબામાં સુરત અને ગુજરાતનું નજરાણું અલગ હશે જ્યાં દિવસભર ખેલાડીઓ રમશે અને રાત્રે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે. જે થકી દેશભરના ખેલાડીઓ અહીંની સંસ્કૃતિની અવગત થશે.

આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ પોલીસની એ. ટી.એસ ટીમ દ્વારા થયેલી ડ્રગ ડ્રાઇવ વિશે યુવાઓને જાણકારી આપીને ગુજરાત પોલીસના ભગીરથ કાર્ય બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં જૂડો, કરાટે, સ્કેટિંગ, કબડ્ડી, દોરડા ખેંચ જેવી રમતો નું પ્રદર્શન પણ કરાયું હતું જે વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ અવસરે મ.ન.પા કમિશનર બચ્છાનિધી પાની, વીર નર્મદ યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડા, , જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કુ.રાધિકા લાઠિયા તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત